અમદાવાદના સરદારનગરમાં દારૂના કટિંગ વખતે જ દરોડો : 1260 બોટલ જપ્ત
સુત્રોના જણાવ્યા મુજબ સરદારનગરના બુટલેગરોએ રાજસ્થાનથી દારૂ ભરેલી ગાડી મગાવી હોવાની બાતમીના આધારે પીસીબીની ટીમે દરોડો પાડયો હતો. સરદારનગરના બુટલેગર હર્ષદ ઉર્ફે મુંગડો જેલિયાભાઈ તમંચે રાજસ્થાનથી દારૂ-બીયરનો જથ્થો ભરેલી ગાડી મગાવી હતી અને તે ગાડીમાંથી દારૂની બોટલો ટુ વ્હીલરમાં ભરીને નાના બુટલેગરો લઈ જવાના હતા. જેથી પીસીબીની ટીમ સરદારનગર કુબેરનગર કચ્છીપાડાની ખુલ્લી જગ્યામાં દરોડો પાડયો હતો. રેડ દરમ્યાન પોલીસને જોઈને 2 બુટલેગર ગાડીમાં જ્યારે અન્ય 5 થી 6 બુટલેગર ટુ વ્હીલર ત્યાં જ મૂકીને ભાગ્યા હતા.પોલીસે દારૂની 1260 બોટલ અને 4 ટુ વ્હીલર મળીને કુલ રૂ.5.05 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી ગુના નોંધી તપાસ શરૂ કરી છે.
