રોડ તૂટે તો પાંચ વર્ષનો ગેરંટી પિરિયડ નક્કી કરવાની વિધાનસભામાં લોકાયુક્ત નું સૂચન : પણ સાણંદમાં તો બે વર્ષ પણ રોડ ચાલતા નથી તેનું શું?
રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર ના છેવાડાના ગામો સુધી વિવિધ માર્ગો કરોડોના ખર્ચે મંજૂર કરવામાં આવે છે, પરંતુ આ માર્ગો બન્યાના 6 થી 12 માસમાં ખખડધજ બની જાય છે, બે વર્ષના ગેરંટી પિરિયડ સુધી પણ ચાલતા નથી, બાદમાં ફરિયાદો થાય છે, તો પણ કોન્ટ્રાક્ટરોનો કોઈ વાળ પણ વાંકો કરી શકતું નથી.
સાણંદ નો દાખલો લઈ લો, સાણંદના ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના રોડ ખખડધજ થઈ ગયા છે, ખાસ કરીને સાણંદનો કોલટ રોડ અને મોટીદેવતી રોડ આ વાતની સાબિતી પૂરે છે. વળી સાણંદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અરવિંદસિંહ વાઘેલા પ્રમુખ રહ્યા ત્યાં સુધી આ મુદ્દે લડ્યા, અને કોન્ટ્રાક્ટરોની પોલ ખોલી પરંતુ આ ભ્રષ્ટ તંત્રમાં માત્ર કમિટીઓ બને છે અને સૂચનાઓ અપાય છે, ગેરંટી પિરિયડ બાકી હોવા છતાં કોન્ટ્રાક્ટરોને માત્ર નોટિસ અપાય છે, રોડનું નવીનીકરણ તો થતું જ નથી. સત્તા પક્ષને પણ ઘોળીને પી જનારા આ અધિકારીઓ પર કોનો અંકુશ એ સૌથી મોટો પ્રશ્ન છે. કરોડો રૂપિયા ફળવાય છે પણ એ વપરાય છે કે નહીં એ જોનારું કોઈ ખરું? સાણંદ ગ્રામ્યમાં સત્તા પક્ષના જે સર્વે સર્વા ગણાય એવા તાલુકા પંચાયત પ્રમુખ આ મુદ્દે લખી લખીને થાકે તોય અધિકારીઓ ટસના મસ ના થાય તો બીજાની તો શું વિસાત, કોન્ટ્રાક્ટરો પાસે? સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના રોડની દુર્દશા છે ખાસ કરીને એપ્રોચ રોડની, આ માર્ગો માટે ફળવાયેલા જનતાના પૈસા પાણીમાં ગયા છે. વિધાનસભામાં લોકાયુક્તે કરેલું સૂચન સાચું છે કે ગેરંટી પિરિયડ પાંચ વર્ષનો કરવામાં આવે, પણ આ ગેરંટી પિરિયડ ની અમલવારી કરાવશે કોણએ મોટો પ્રશ્ન છે, બે વર્ષના ગેરંટી પિરિયડ ને પણ કોન્ટ્રાક્ટરો ગાંઠતા નથી ત્યારે, પાંચ વર્ષની તો વાત જ ક્યાં કરવી? આમ છતાં જો આ સૂચન માન્ય રાખવામાં આવે અને પાંચ વર્ષનો ગેરંટી પીરીયડ કરવામાં આવે તો જનતા માટે સારું જ છે, પણ કડક અમલ સિવાય આ બધી વસ્તુનો કોઈ ફાયદો નથી.

