જલારામબાપા વિષે ટિપ્પણી કરવા બદલ સાણંદ પોલીસમાં લેખિતમાં કાર્યવાહી કરવા રજૂઆત
તાજેતરમાં કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા રધુવંશી સંત સીરોમણી જલારામ બાપા વિશે ખોટી ટીપ્પણી કરતાં રધુવંશી સમાજ અને જલારામ બાપાને માનતા ભક્તોની લાગણી દુભાતા સાણંદના ઉપરદળ ગામના ઇસમે સાણંદ પોલીસમાં લેખિતમાં રજૂઆત કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સાણંદ તાલુકાનાં ઉપરદળ ગામના શૈલેષકુમાર નટવરલાલ ઠક્કરએ સાણંદ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી રજૂઆત કરી હતી કે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ઘણી વખત અનેક જગ્યાઓ પર હિન્દુ ધર્મ ની લાગણી ને ઠેસ પહોંચી એવાં ભાષણો કરી રહ્યા છે. તાજેતર વિશ્વ વંદનીય જલારામ બાપા વિષે ટીપ્પણી કરેલ હતી. જેને લઈને જલારામ બાપાના ભક્તજનોએ ઘણી જગ્યાએથી આવેદનપત્ર આપ્યા છે પણ હજુ સુધી કોઈપણ કાર્યવાહી હાથ ઘરવામાં આવી નથી, જલારામ બાપાના ભક્તજનોએ ફક્ત વિરપુર આવીને માફી માંગવાની માંગણી કરી હતી. તેમ છતાં હજી સુધી આવ્યા નથી. જો તારીખ 25 ફેબ્રુઆરી પહેલાં માફી માંગવા નહી આવે તો જલારામ બાપાના ભક્તજનો સરકારની મંજુરી સાથે અનશન ઉપર ઊતરવાની ચીમકી આપી હતી અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની વિરુધ્ધમાં કાર્યવાહી કરવા માંગ કરી છે.

