પાટડીની ફતેપુર શાળામાં બાળકોને ક્લાસરૂમમાં પુરી શિક્ષકો જતા રહ્યા
સુરેન્દ્રનગરના પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં શિક્ષકોએ બેદરકારીની હદ વટાવી છે. નાના ભૂલકાઓ ક્લાસરૂમમાં બેઠા હતા અને બપોરના છુટવાના સમયે શિક્ષકો શાળાને તાળુ મારીને જતા રહ્યા હતા. વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં રડી રહ્યા હતા અને શિક્ષક તાળુ મારીને નીકળી ગયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો રૂમમાં હતા અને શિક્ષકો રૂમ લોક કરીને ઘરે જતા રહેતા અફડાતફડી મચી જવા પામી હતી. બાદમાં શાળાના બાળકોએ રોકકળ સાથે આક્રાંદ કરી મૂકતા વાલીઓ શાળામાં દોડી ગયા હતા. મળતી માહિતી મુજબ શાળાનો ગેટ તોડીને વાલીઓએ બાળકોને બહાર કાઢ્યા હતા. પુરાયેલા બાળકોમાં કેટલાક બેભાન જેવી હાલતમાં હતા અને સંપૂર્ણપણે ડરેલી હાલતમાં હતા. તેમના કુમળા માનસ પર આ ઘટનાની ઘણી વિપરીત અસર જોવા મળી છે. તો તાલુકા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે, શિક્ષકોને એમ હતું કે વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યા હશે. બાદમાં જાણ થતાં શિક્ષકોએ જ આવીને બાળકોને બહાર કાઢ્યા હતા.
શાળાએ આવેલા વાલીઓમાંથી એક વાલીએ આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. જેમાં બાળકો રોકકળ કરતા મમ્મી…પપ્પા… મમ્મી…પપ્પા… કરીને અને રોતા જોવા મળે છે. આ ઘટના બાદ રોષે ભરાયેલા વાલીઓએ શાળાનો ગેટ તોડી નાખ્યો હતો અને બાળકોને બહાર કાઢ્યા હતા. આ બનાવમાં શાળામાં બંધ થઇ ગયેલા તમામ 21 બાળકો પહેલા ધોરણમા અભ્યાસ કરે છે. આ પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8ના અંદાજે 300 જેટલા બાળકો અભ્યાસ કરે છે.શિક્ષકો શાળામાં બંધ કરીને જતા રહેતાં ડરી ગયેલા નિર્દોષ બાળકો સંડાશ અને પેસાબ પણ કરી ગયા હતા. આ બાળકોના વાલીઓએ શાળામાં દોડી જઈ શિક્ષકોનો રીતસરનો ઉધડો લઈ હલ્લાબોલ કર્યો હતો. બાદમાં ગામના આગેવાનો દોડી આવતા સમજાવટના અંતે દોઢથી બે કલાકની ભારે જહેમત બાદ મામલો થાળે પડ્યો હતો.
