ધંધુકામાં પ્રાથમિક શિક્ષકોએ કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો
રાજ્યના શિક્ષકો પાછલા ત્રણ દિવસથી તેમની જૂની પેંશન યોજના અને અન્ય પડતર માંગણીઓ ને લઈ સરકાર સામે પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આજે શિક્ષકોએ કાળા વસ્ત્રો ધારણ કરી શાળાઓમાં શિક્ષણ કાર્ય કર્યું હતું.
ધંધુકા તાલુકાની 45 પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા પાછલા ત્રણ દિવસથી સરકાર પાસેની પડતર માંગણીઓ માટે પ્રતીકાત્મક વિરોધ નોંધાવી રહ્યા છે શિક્ષકોએ કાળા વસ્ત્રો સાથે શિક્ષણ કાર્ય કરાવી તેમની પડતર માંગણીઓ માટે સરકાર સામે પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કર્યું હતું. ધંધુકા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામસિંહ વાળા અને મહામંત્રી વિક્રમભાઈ ખાંટે જણાવ્યું કે ગત વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્ય સરકારે તેમની વિવિધ પડતર માંગણીઓ માટે ચૂંટણી બાદ ત્વરિત માંગણીઓ સ્વીકારવાની વાત કરતા શિક્ષકોએ આંદોલન સમેટયું હતું પરંતુ ચૂંટણીમાં વિજય થયા બાદ પણ સરકારે શિક્ષકોની માંગણીઓ પરત્વે કોઈ ધ્યાન ન આપી શિક્ષકો સાથે અન્યાયી વ્યવહાર કર્યો છે રાજ્યના શિક્ષકો જૂની પેંશન યોજના માટે વારંવાર માંગણી કરી ચુક્યા છે ત્યારે આજ દિન સુધી સરકારે માંગણીઓ નહિ સ્વીકારતા શિક્ષકો ફરી સરકાર સામે સંયમ સાથે જૂની પેંશન યોજના માટે પ્રતીકાત્મક વિરોધ નોંધાવવા મજબુર બન્યા છે. સરકાર દ્વારા ચૂંટણી પહેલા અપાયેલા વચનો ઠાલા સાબિત થયા છે ત્યારે દેશના ભવિષ્યના ઘડતર માટે કામ કરતા શિક્ષકો ની વ્યાજબી માંગણીઓ પરત્વે સરકાર અનદેખી કરી રહી હોવાનો આક્ષેપ કરી જણાવ્યું કે હજુ પણ સરકાર અમારી માંગણીઓ નહિ સ્વીકારે તો શિક્ષકો પોતાના હિત માટે રાષ્ટ્રનું હિત ક્યાંય જોખમાય નહિ તે પ્રકારે વિરોધ નોંધાવી આક્રમક કાર્યક્રમો આપશે.
