સાણંદના શેલાના યુવકે વ્યાજ અને મૂડી ચૂકવી છતાં વધુ ત્રાસ આપતા સાણંદના 4,અમદાવાદ અને ડીસાના 1-1 વ્યાજખોર સામે ફરિયાદ

        સાણંદના શેલામાં રહેતાં યુવકે કેફેનો બિઝનેસ કરવા તેના ઓળખીતા સાણંદના શખ્સ પાસેથી પાસેથી રૂ.10 લાખ વ્યાજે લીધા હતા, જે પેટે રૂ.25 લાખ ચૂકવી આપ્યા હતા છતાં વધુ વ્યાજની માંગણી કરી ત્રાસ આપતો હતો. જેથી યુવકે બીજા અલગ અલગ પાંચ વ્યક્તિઓ પાસેથી પૈસા લઈને એક બીજાને ચૂકવ્યા હતા. તેમ છતાં પણ વ્યાજખોરો અવાર નવાર યુવકને વ્યાજ અને મૂડીની માંગણી કરી હેરાન કરતા હોવાથી યુવકે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. બાદમાં યુવકે 6 વ્યાજખોરો સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

                    પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી અનુસાર સાણંદના શેલામાં 21 વર્ષીય દેવ પટેલ પરિવાર સાથે રહે છે અને કન્સ્ટ્રકશનનું કરે છે. બે વર્ષ અગાઉ દેવ સીંધુભવન રોડ પરના કાફે પર બેઠો હતો ત્યારે સાણંદના ધવલ સનતકુમાર પંડીત નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. જેથી દેવને કાફેનો બિઝનેસ કરવો હોવાથી ધવલ સનતકુમાર પંડીત પાસેથી રૂ.10 લાખ વ્યાજે લીધા હતા. જે પેટે રૂ.25 લાખ ચૂકવી આપ્યા હતા. છતા ધવલ રૂ.60 લાખની માંગણી કરીને ધાક ધમકી આપતો હતો. એટલું જ નહીં દેવ પાસેથી સોના-ચાંદીના દાગીના પણ પડાવી લીધા હતા અને વધુ પૈસાની માંગણી કરતો હતો. જેથી ધવલ સનતકુમાર પંડીતને પૈસા આપવા માટે દેવે તેમના ઓળખીતા સાણંદના  મુકેશભાઈ પટેલ ઉર્ફે ગાંધી પાસેથી રૂ.3 લાખ વ્યાજે લીધા હતા. જે પેટે રૂ.8.50 લાખ ચૂકવી આપ્યા હતા, છતાં મુકેશભાઈ પટેલ ઉર્ફે ગાંધી વધુ પૈસા માંગતો હોવાથી દેવે જુન વર્ષ 2022માં સાણંદના મેહુલ બારોટ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. બાદમાં આ તમામને પૈસા ચૂકવવા માટે દેવે સાણંદના પૃથ્વીરાજસિંહ વાધેલા અને અમદાવાદના સોલાના મનુભાઈ રબારી તથા બનાસકાંઠાના ડીસાના મૌલિક રાવલ નામના શખ્સો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. જો કે આ તમામ લોકો અવાર નવાર વધુ વ્યાજ અને મૂડીની માગણી કરીને દેવને હેરાન કરતા અને ધાકધમકી આપતા હતા. જેથી કંટાળીને દેવે પંખે લટકીને આપઘાત કરવા જઈ રહ્યો હતો, ત્યારે તેના પિતા જોઈ જતા તેને બચાવી લીધો હતો. બાદમાં દેવે આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં ધવલ પંડીત, મુકેશ ગાંધી, મેહુલ બારોટ, પ્રુથ્વીરાજસિંહ વાધેલા,મનુ રબારી અને મૌલિક રાવલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો વધુ તપાસ હાથ ધરી છે.
Social