વડોદરાના પાસે સ્કોર્પિયોનું ટાયર નીકળી જતાં કાર પલટી મારતા એકનું મોત

ડભોઇના ધરમપુરી ગામ પાસે સ્કોર્પિયો કારનું આગળના ટાયરનું વ્હીલ નીકળી જતા અકસ્માત સર્જાયો હતો. ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર બે પલટી મારી ગઇ હતી. આ ઘટનામાં એક નું મોત નીપજ્યું હતું. જ્યારે 4 લોકોને ઇજા પહોંચી હતી. ગંભીર ઇજાગ્રસ્તોને વડોદરા ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જડિયા વાળી કેવડિયા કોલોની ગામે રહેતા પ્રતિકભાઇ ભુપતભાઈ તડવી, નરેશભાઈ છોટાભાઈ તેમજ પ્રવીણભાઈ છોટુભાઈ તડવી વગેરે અનગઢ ગામે મેલડી માતાના દર્શન કરવા નીકળ્યા હતા. પરિવાર દર્શન કરી પરત તિલકવાડા જઇ રહ્યો હતો. દરમિયાન ડભોઇ તાલુકાના ધરમપુરી ગામ પાસે સ્કોર્પિયો ગાડીનો આગળનું વ્હીલ નીકળી જતા ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી રોડની બાજુમાં આવેલા વોકળામાં પલટી મારી ગઇ હતી.કારમાં બેઠેલા પ્રવિણભાઇ છોટુભાઈ (આશરે ઉં.40)નું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તે બાદ વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી.

Social