દિન વિશેષ: આજે મહા સુદ એકાદશી, રવિભાણ સંપ્રદાયના આદ્યસ્થાપક સંતશ્રી ભાણસાહેબની જન્મ જયંતી

“ભાણ કહે ભટકીશ મા, મથી જોને માંહ્ય
સમજીને સુઈ રહે તો, કરવુ પડે નહી કાઈ”
ગુજરાતના મધ્યકાલીન લોકસંત. ભાણ એમનું નામ અને ‘સાહેબ’ એમની પદવી. ‘સાહેબ’ પદ કબીર પરંપરાની ખાસ ઓળખરૂપ છે. ગુજરાતમાં કબીર સંપ્રદાયના બે પંથ ચાલ્યા : સતકબીરિયા અને રામકબીરિયા. ભાણ રામકબીરિયા પંથના હતા. ભાણ ગુજરાતમાં કબીર સંપ્રદાયના આદ્યસ્થાપક અને પ્રવર્તક ગણાય છે. ભાણકબીર તરીકે પણ તેઓ ઓળખાય છે.
ભાણસાહેબનું મૂળ વતન વારાહી. પિતા કલ્યાણ ભગત અને માતા અંબાબાઈ. જ્ઞાતિએ લોહાણા ઠક્કર. વેપારધંધાર્થે વારાહી છોડી કિંખલોડ આવી વસેલા. ભાણને જન્મની સાથે બે દાંત ઊગેલા. તેઓ દત્તનો અવતાર પણ ગણાય છે. સૂર્ય જેવી કાંતિ જોઈ કોઈ સિદ્ધે ભાણ નામ પાડેલું. સંતસેવા અને ભક્તિપરાયણ કલ્યાણ ભગતને દુરમતિ લોકોએ અને કાંઠાગાળાના ચોરધારાળાઓએ કનડેલા. આથી મૂળ વતન વારાહી પાછા આવેલા. 26 વર્ષની ઉંમરે ભાણબાઈ સાથે ભાણનું લગ્ન. ગૃહસ્થજીવનની સાથે ઈશ્વરભક્તિ અને જનસેવાના ભેખધારી.
ભાણસાહેબના ગુરુ કોણ તે નિશ્ચિત થતું નથી. પરંતુ આંબો છઠ્ઠો સંભવત: ખષ્ટમદાસ એમના ગુરુ હોવાનું મનાય છે. ખષ્ટમદાસ એ કબીરના શિષ્ય અને રામકબીરિયા શાખાના પ્રવર્તક પદ્મનાભના પાંચમી પેઢીએ આવતા શિષ્ય. પદ્મનાભ કાઠિયાવાડ આવ્યાનું મનાય છે. ગુરુ-શિષ્ય પરંપરામાં ગુરુમહિમા એ પ્રભુમહિમા જેટલો જ મોટો હોય છે. પદોનાં નામચરણમાં ગુરુના નામનો ઉલ્લેખ અવશ્ય હોય. પરંતુ ભાણસાહેબના જે સત્તર જેટલાં પદ મળે છે તેમાં ગુરુના નામનો ઉલ્લેખ નથી.
ભાણસાહેબ પરિભ્રમણ કરતા કરતા કમિજળા ખાતે પોતાના એક શિષ્ય મેપા ભરવાડને ખોરડે ગયેલા. મેપો ઢોર ચરાવવા ગયેલો. ભાણ રોકાયા નહિ. મેપો ખોરડે આવ્યો ને ખબર પડી એટલે ભાણની પાછળ દોડ્યો. હરખથી ઘેલા થયેલા ભોળા ભરવાડે દૂરથી ભાણને જોયા, સાદ કર્યો અને કહ્યું કે ‘ડગલું ભરો તો રામદુવાઈ’. રામદુવાઈ પડતાં ભાણ એ જ ક્ષણે ઘોડી ઉપરથી ઊતરી જમીન પર સ્થિર થઈ ગયા. આ તો રામદુવાઈ. ન એક ડગલું આગળ ભરાય, ન એક ડગલું પાછળ ભરાય. ભાણસાહેબે કમિજળા ગામની પાદરે આ સ્થળે સમાધિ લીધી. ભાણસાહેબ ઘોડી ઉપર સવાર થઈ દેશાટન કરતા. ઘોડી ઉપરાંત સાથે એક કૂતરી પણ રહેતી. કહેવાય છે કે ભાણસાહેબની સમાધિ ગોડવામાં આવી ત્યારે તેમાં પ્રથમ તેમની ઘોડી પડી અને શાંત થઈ ગઈ. બીજી સમાધિ ગોડવામાં આવી તો તેમાં કૂતરી પડી અને શાંત થઈ ગઈ. ત્રીજી સમાધિ ભાણસાહેબે લીધી. કમિજળા ગામને પાદરે આજે ત્રણેય સમાધિ છે.
ભાણસાહેબ રામરટણ અને એક નિરંજન નામની ધૂનને વરેલા ભજનાનંદી સંત હતા. એકાંતે બેસીને સાધના કરનારા સાધુ ન હતા, લોકોની વચ્ચે જઈને વસતિ ચેતાવનારા પરિવ્રાજક આચાર્ય હતા. ગામડે ગામડે અને ઘેર ઘેર ફરીને ભજન અને સંતસંગની સુધા રેલાવી. તેઓ એમની નિર્મળ પ્રભુભક્તિ, ઉચ્ચ આચાર, કુળ, જાતિ, ધર્મ આદિની સંકુચિતતાથી મુક્ત એવી દૃષ્ટિની વિશાળતા, શીલમય ગૃહસ્થ જીવન, ત્યાગમય સેવાપરાયણતાને લઈને લોકહૃદયમાં છવાઈ ગયા. એમનાં તેજ અને પ્રભાવથી આકર્ષાઈને એમની પાસે ભક્તોનાં ટોળેટોળાં ઉભરાતાં.
ગુજરાતમાં આ આધ્યાત્મિક ક્રાંતિનો સીધો પડઘો સવિશેષ રીતે ભાણસાહેબ અને તેમની સંતપરંપરાએ ઝીલ્યો. એટલું જ નહીં ભાણની સરદારી હેઠળ ભેખધારી અને સેવાવ્રતી સંતોની એમાંથી ફોજ તૈયાર થઈ. આ ફોજ, વસ્તી ચેતાવવાની અદમ્ય ભાવના સાથે મિશનરી ધગશથી આખું ગુજરાત ઘૂમી વળી. ઊંચનીચના, કુલજાતિ, ધર્મસંપ્રદાયના ભેદભાવથી પર એવી અભેદદૃષ્ટિ, અંત્યજ ગણાતા નીચલા થરના લોકોનો સ્વીકાર અને સમાદર, ત્યાગમય સેવાપરાયણતા, ગામડે ગામડે અને ઘરેઘરે ફરી જનહૃદયમાં ભજનસત્સંગ, ઉપદેશ દ્વારા સદાચાર અને ભક્તિભાવના સિંચનની નૂતન વિચારધારા અને ઉચ્ચ આચારપ્રણાલી દ્વારા આ સંપ્રદાય વીજળીક લોકાદર પામ્યો. આ સંપ્રદાયે ઊંચી કોટીના તેજસ્વી સંતોની અમૂલ્ય ભેટ આપી છે. એમાં પણ આ સંપ્રદાય થકી સમાજના અંત્યજ ગણાતા નીચલા થરમાંથી જે સંતરત્નો મળ્યાં, એકસામટાં મોટી સંખ્યામાં મળ્યાં, એથીય આગળ વધીને કહીએ તો એક આખી પરંપરાના રૂપમાં મળ્યાં એ ગુજરાતના આધ્યાત્મિક ઇતિહાસનું અપૂર્વ સુવર્ણપૃષ્ઠ છે. આ સંપ્રદાય થકી રવિસાહેબ, ખીમસાહેબ, ત્રિકમસાહેબ, ભીમસાહેબ, દાસી જીવણ, દાસ હોથી સુમરા જેવા અનેક શ્રેષ્ઠ સંતો આપણને મળ્યા.
ગુજરાતમાં રવિભાણ સંપ્રદાયના મુખ્ય ચાર સ્થાનકો સુપ્રસિદ્ધ છે : (1) શેરખી : આ જગ્યા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના શેરખી ગામે છે. સંપ્રદાયની આ પ્રથમ બંધાયેલી જગ્યા ભાણસાહેબે તે ઈ.સ. 1724 (સંવત 1780) માં બાંધેલી. (2) કમિજળા : આ જગ્યા અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કમિજળા ગામે આવેલી છે. ભાણસાહેબનું આ સમાધિસ્થાન છે. આ સ્થળે ભાણસાહેબે સમાધિ લીધેલી. (3) રાપર : આ જગ્યા કચ્છ જિલ્લામાં રાપર તાલુકા મથકે આવેલી છે. ભાણસાહેબના બુંદપુત્ર ખીમસાહેબે ઈ. સ. 1781 (સંવત 1837) માં બાંધેલી. આ જગ્યા ‘દરિયાસ્થાન’ તરીકે પણ ઓળખાય છે. (4) ખંભાળિયા : જામનગર જિલ્લામાં ખંભાળિયા ગામે આ જગ્યા છે. તે મોરાર ખંભાલિડા તરીકે પણ જાણીતી છે. ઈ. સ. 1776 (સંવત 1832) માં મોરારસાહેબે આ જગ્યા બાંધેલી.
(સંદર્ભ: રવિભાણ સંપ્રદાય, ગુજરાતી વિશ્વકોશ, દલપત પઢીયાર)

Social