ચેતજો : સાણંદના શાંતીપુરા થી સરખેજ જતાં હાઇવે પાસે રોઝ દેખાતા ચાલકોમાં ભય
સાણંદના શાંતિપુરા બ્રિજ થી સરખેજ સાણંદ ચોકડી તરફ જતાં હાઇવે રોડની નજીક છેલ્લા કેટલાક મહિનાઓથી રાત્રિના સમયે રોઝ તરીકે ઓળખાતી નીલગાય દેખાતા અંહિયા પસાર થતાં વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર શાંતિપુરા બ્રિજ થી સરખેજ તરફ જતાં માર્ગ નજીક તેમજ પાસેના અલગ અલગ ટીપી રોડ પર છેલ્લા કેટલાક મહિનાઓથી નીલગાયો રોડ પર પુરઝડપે આટાફેરા કરતી હોવાનું કેટલાક વાહન ચાલકોના ધ્યાને આવ્યું છે. તાજેતરમાં આ માર્ગ પરથી બાઇક પર પતિ પત્ની જતાં હતા તેવામાં રોડ પર એકાએક નીલ ગાયનું ઝુંડ પુર ઝડપે દોડીને જતું રહ્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. બીજી તરફ નીલ ગાય રોડની આસપાસ દેખાતા ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે. નોંધપાત્ર છે કે ગત 2021ના ડિસેમ્બર મહિનામાં સરખેજ સાણંદ હાઇવે પર ગિબપુરા પાસે હાઇવે પર જતી રિક્ષા અને બાઇક ચાલકને એક રોઝએ અડફેટે લીધા હતા જેમાં રિક્ષા ચાલકને ઇજાઓ થઈ હતી અને રિક્ષાને ભારે નુકશાન થવા પામ્યું હતું. ત્યારે રાત્રે આ રોડ પરથી પસાર થતાં વાહન ચાલકોએ સાવચેતી રાખવા અપીલ કરી હતી.
216