આણંદના પલોલ પાસે કાર ચાલકે બાઈકને ટક્કર મારતા પત્નીનું મોત
આણંદના તારાપુર સોજિત્રા રોડ ઉપર આવેલા પલોલ ગામની સીમ સ્થિત મેલડી ફાર્મ નજીક અજાણ્યા કારના ચાલકે નડિયાદના બાઈક સવાર દંપતીના બાઈકને ટક્કર મારી હતી. જેમાં પત્નીનું મોત નીપજ્યું હતું જ્યારે બાઈક ચાલક પતિને ઇજા પહોંચી હતી.
સૂત્રોના કહેવા અનુસાર નડિયાદમાં રહેતા 50 વર્ષીય ધીરૂભાઈ શંકરભાઈ વાઘેલા માતર તાલુકાના વસ્તાણા ગામના વતની છે. અને તેઓના વતન વસ્તાણા ગામનું તેઓના ઘરનું સમારકામ ચાલી રહ્યું હોવાથી ધીરૂભાઈ તેઓની પત્ની આશાબેનને લઈને વતનમાં મકાનનુ કામકાજ જોવા ગયા હતા. અને રાત્રિના બાઈક પર નડિયાદ પરત જઈ રહ્યા હતા. ત્યારે પલોલ ગામની સીમ પાસે પુરપાટ ઝડપે જતાં કાર ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં પતિ-પત્નીરોડ પર પટકાયા હતા. જેમાં આશાબેનને માથામાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે ધીરૂભાઈને પણ શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. આ અંગે સોજિત્રા પોલીસે કારના ચાલક સામેગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
