તરભમાં PM મોદીનું સંબોધન : આજે વાળીનાથે વટ પાડી દીધો, મોદીએ કહ્યું- બળદેવગીરી બાપુ જોડે મારે ગાઢ નાતો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિસનગર તાલુકાના તરભ વાળીનાથ ધામ ખાતે પહોંચ્યા હતા. જ્યાં વાળીનાથ ધામ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર મહોત્સવમાં ગુરુપુષ્ય અમૃતસિદ્ધિ યોગમાં મહા શિવલીંગની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી હતી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ રૂ. 13000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કર્યું હતું. બાદમાં વડાપ્રધાને જાહેર સભા સંબોધતા જણાવ્યું હતું કે, આજે વાળીનાથમાં ઘણી જુની યાદો તાજી થઈ છે. બળદેવગીરી બાપુ જોડે મારે ગાઢ નાતો હતો. આજે વાળીનાથે વટ પાડી દીધો છે. આજે એક સંયોગ પણ થયો છે. આજથી ઠીક એક મહિના પહેલાં અયોધ્યામાં હતો અને આજે વાળીનાથમાં મહાદેવના સાનિધ્યમાં છું. મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે તેમના શાસનમાં વિકાસ અને વિરાસત વચ્ચે તકરાર ઉભી કરી હતી. કોંગ્રેસે જ સોમનાથ અને પાવાગઢના વિકાસમાં વિધ્ન ઉભુ કર્યું હતું. આ લોકોએ તો ભગવાન રામના અસ્તિત્વ સામે પણ સવાલો ઉઠાવ્યાં હતાં.
જય વાળીનાથથી સંબોધન શરૂ કર્યું. આજે ધણા બધા જુના જોગીઓના દર્શન કરવા મળ્યા. આજે તો વાળીનાથે વટ પાડી દીધો છે. અગાઉ ઘણીવાર અહીં આવ્યો છું પણ આજે તો વાળીનાથમાં કંઈક અલગ જ રોનક છે. રસ્તામાં આવતો હતો તો મારા ગમાના અનેક લોકો દેખાતા હતા.આજથી ઠીક એક મહિના પહેલાં અયોધ્યામાં હતો અને આજે વાળીનાથમાં મહાદેવના સાનિધ્યમાં છું. રબારી સમાજ માટે આ ગુરુગાદી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આજે તરભ ખાતેથી લોકોની સુવિધા માટે આજે 13000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરાયું છે. જેનાથી લોકો માટે રોજગાર માટે નવું અવસર બનશે.
આજે હું દિવ્ય ઉર્જા અનુભવ કરી રહ્યો છે. આ ઉર્જા એ યાત્રાથી પણ જોડે છે જે બળદેવગીરી બાપુએ શરૂ કરી હતી. હું મંચ પરથી ગાદીપતિ જયરામગીરી બાપુને વંદન કરું છે. બળદેવગીરી બાપુ જોડે મારો ગાઢ નાતો જોડાયેલું હતું. આ મંદિર માત્ર દેવાલય છે એટલું જ નથી. તે આપણી હજારો વર્ષ જૂની સંસ્કૃતીનો પ્રતિક છે. બળદેવગીરી બાપુ જોડે જ્યારે હું વાત કરતો ત્યારે હું આ સમાજના બાળકો માટેના શિક્ષણની વાત કરતો હતો. આ મોદીની ગેરંટીનું લક્ષ એ દેશના છેવાડામાં રહેલા માનવીનું જીવનધોરણ સુધરવાનું છે. દેશમાં અત્યારે એક બાજું દેવાલયો બની રહ્યાં છે તો બીજી બાજું ગરીબ પરિવારોને પોતાનું ઘર મળી રહ્યું છે. છેલ્લા બે દશકોમાં વિકાસની સાથે સાથે વિરાસતની ભવ્યતા માટેનું કામ થયું છે. કમનસીબે ભારતમાં વિરાસતના ક્ષેત્રે વિકાસ અટકી પડ્યું હતું. આ કોંગ્રેસે ધર્મસ્થાનો ઉપર પ્રશ્ન કર્યા હતા. કોંગ્રેસે જ સોમનાથ અને પાવાગઢના વિકાસમાં વિધ્ન પેદા કર્યું છે. જ્યારે અયોધ્યામાં અત્યારે મંદિર બનીને તૈયાર થઈ ગયું છે તે તેમણે નકારાત્મક વલણ દાખવ્યું. આ લોકોએ ભગવાન રામના અસ્તિત્વ સામે સવાલો ઉઠાવ્યાં. કોંગ્રેસે વિકાસ અને વિરાસત વચ્ચે તકરાર ઉભી કરી હતી. વડનગરમાં 2800 વર્ષ જુના ઈતિહાસના પુરવા મળ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મહેસાણા જિલ્લાના તરભ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રૂ. 13000 કરોડથી વધુના અનેકવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં વિજ્ઞાન અને પ્રાયોગિક વિભાગના રૂ. 25,000 કરોડથી વધુના 4 પ્રકલ્પો, રેલવે મંત્રાલયના રૂ. 23,000 કરોડથી વધુના 5 પ્રકલ્પો, પ્રેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના રૂ. 2100 કરોડથી વધુના 2 પ્રકલ્પો, માર્ગ અને મકાન વિભાગના રૂ. 1700 કરોડથી વધુના 21 પ્રકલ્પો, સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકાર તથા માર્ગ અને મકાન વિભાગ ગુજરાત સરકારના રૂ. 1600 કરોડથી વધુના 2 પ્રકલ્પો તેમજ વિવિધ વિભાગોના રૂ. 2800 કરોડથી વધુના 23 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.
