દાણીલીમડા વિસ્તારની યુવતી પર દુષ્કર્મ બાદ ધમકી આપનારાના જામીન ફગાવાયા
શહેરના દાણીલીમડા વિસ્તારમાં યુવતીના બિભત્સ ફોટા અને વીડિયો ઉતારી લઇ તેના આધારે તેણીને બ્લેકમેઇલ કરી વારંવાર દુષ્કર્મ ગુજારવાના અને તેનો ગર્ભપાત કરાવી નાંખવાના ચકચારભર્યા કેસમાં આરોપી અબ્દુલ હન્નાન હારૃનભાઇ શેખની જામીન અરજી અત્રેના એડિશનલ સેશન્સ જજ જે.એમ.બ્રહ્મભટ્ટે ધરાર ફગાવી દીધી હતી.
સેશન્સ કોર્ટે આરોપીના જામીન ફગાવતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં આરોપી વિરૃધ્ધ દુષ્કર્મ સહિતનો પ્રથમદર્શનીય ગુનો પ્રસ્થાપિત થાય છે અને ગુનાની ગંભીરતા જોતાં તેને કોઇપણ સંજોગોમાં જામીન આપી શકાય નહી. શહેરના દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા પેટ્રોલપંપની પાછળ સંજરી રો હાઉસ ખાતે રહેતાં આરોપી અબ્દુલ હન્નાન હારૃનભાઇ શેખની જામીન અરજીનો સખત વિરોધ કરતાં રાજય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આરોપી અબ્દુલ હન્નાને પીડિત યુવતીને પોતાના ઘેર બોલાવી તેની મરજી વિરૃદ્ધ દુષ્કર્મ આચર્યુ હતુ અને એ વખતે આરોપીએ પોતાના મોબાઇલ ફોનમાં ફરિયાદી યુવતીના બિભત્સ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા અને બાદમાં તેને વાયરલ કરવાની ધમકી આપી તેને અવારનવાર દુષ્કર્મનો ભોગ બનાવી હતી. એટલું જ નહી, આરોપીએ પીડિતા પાસેથી આ બિભત્સ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂ.50 હજારની માંગણી પણ કરી હતી. તો, ખુદ આરોપીના માતા-પિતાએ પણ પીડિત યુવતીને અને તેના બાળકોને જો દુષ્કર્મની વાત કોઇને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
