માતૃભાષાની ઉપયોગીતા, મહત્વ તથા માવજત શા માટે અને કેવી રીતે…?
ગત ૨૧ માર્ચે વિશ્વભરમાં માતૃભાષા દિવસની વૈવિધ્યસભર રીતે ઉજવણી કરવામાં આવી. સામાન્ય રીતે આપણે ઘણીવાર એવું કહેતા હોઈએ છીએ કે માં, માતૃભૂમિ અને માતૃભાષાના અન્ય કોઈ વિકલ્પ ન હોય. માતૃભાષાને લઈને એક એવી પણ સમજ પ્રસ્થાપિત થયેલ છે કે જો કોઈ એક ચોક્કસ સંસ્કૃતિને સમાપ્ત કરી દેવી હોય તો વધુ કશું જ કરવાની જરૂર નથી માત્ર તે સમાજની માતૃભાષને વિલુપ્ત કરી નાંખો એટલે આપોઆપ તે સંસ્કૃતિ સમાપ્ત થઇ જશે. એવું પણ કહેવામાં આવે છે કે આપણને મહદઅંશે વિચારો અને સ્વપ્ન આપણી માતૃભાષામાં જ આવતા હોય છે અને બાળકને જો પ્રાથમિક શિક્ષણ તેની માતૃભાષામાં આપવામાં આવે તો તેનો માનસિક તથા શારીરિક વિકાસ શ્રેષ્ઠ રીતે થઇ શકે છે. માતૃભાષાના મહત્વ અંગેનીઆ બધી વાતો સંભાળીને મનમાં કેટલાક પ્રશ્નો ઉભા થાય છે, જેમ કે શું ખરેખર માતૃભાષાની અસરો માતૃભૂમિ, સંસ્કૃતિ, વ્યક્તિના વિચારો, સ્વપ્ન અને બાળકના માનસિક તથા શારીરિક વિકાસ પર થતી હશે? માતૃભાષાનું આટલું બધું મહત્વ હોય તો આજે આપણે જે માતૃભાષા ગુજરાતીનો રોજીંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ તેમાં અન્ય ભાષાના શબ્દોનું પ્રમાણ કેમ દિવસે ને દિવસે વધતું જાય છે? શું ખરેખર આપણી માતૃભાષા ગુજરાતી ટકી રહેશે કે વિલુપ્ત થશે? માતૃભાષાને ટકાવી રાખવા માટે શું માત્ર સાહિત્યની રચનાઓ જ પર્યાપ્ત છે કે આપણા આર્થિક, સામાજિક અને રાજકીય જીવનમાં પણ માતૃભાષાનો મહત્તમ ઉપયોગ થવો જરૂરી છે? તો આજ પ્રશ્નોના જવાબ શોધવા અને માતૃભાષાની ઉપયોગીતા, મહત્વ તથા માવજત શા માટે અને કેવી રીતે કરી શકાય તેના વિષે આજે થોડી વાતો કરીએ.
વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીની શરૂઆત કેવી રીતે અને કેમ થઇ તેનો ઈતિહાસ જાણીએ તો, ૧૯૪૭માં જ્યારે પાકિસ્તાનની રચના થઈ ત્યારે ભૌગોલિક રીતે તેના બે અલગ અલગ ભાગ હતા: પૂર્વ પાકિસ્તાન (જે હાલમાં બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે) અને પશ્ચિમ પાકિસ્તાન (જે હાલમાં પાકિસ્તાન તરીકે ઓળખાય છે). સંસ્કૃતિ અને ભાષાના અર્થમાં બંને ભાગો એકબીજાથી ખૂબ જ ભિન્ન હતા. બંગાળી અથવા બાંગ્લા ભાષા એ પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનના બહુસંખ્યક લોકો દ્વારા બોલાતી ભાષા હતી. તેમ છતાં, ૧૯૪૮માં પાકિસ્તાનની તત્કાલીન સરકારે ઉર્દૂને પાકિસ્તાનની એકમાત્ર રાષ્ટ્રીય ભાષા જાહેર કરી હતી. પૂર્વ પાકિસ્તાનના લોકોએ આ જાહેરાતનો વિરોધ કર્યો, કારણ કે મોટાભાગની વસ્તી પૂર્વ પાકિસ્તાનની હતી અને તેમની માતૃભાષા બાંગ્લા હતી. તેમણે બાંગ્લા ભાષાને ઉર્દૂ ઉપરાંતની એક રાષ્ટ્રીય ભાષા બનાવવાની માગણી કરી હતી. આ માગણી સૌપ્રથમ પૂર્વ પાકિસ્તાનના ધીરેન્દ્રનાથ દત્તાએ ૨૩ ફેબ્રુઆરી, ૧૯૪૮ના રોજ પાકિસ્તાનની બંધારણ સભામાં ઉઠાવી હતી.
બાંગ્લા ભાષાને ઉર્દૂ ઉપરાંતની એક રાષ્ટ્રીય ભાષા બનાવવાની માંગ સાથે ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સામાન્ય જનતાના સમર્થનથી જંગી રેલીઓ અને સભાઓનું આયોજન કર્યું હતું. ૨૧ ફેબ્રુઆરી ૧૯૫૨ના રોજ પોલીસે રેલીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં અનેક લોકોના મૃત્યુ પામ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. ઇતિહાસમાં આ એક દુર્લભ ઘટના હતી, જ્યારે લોકોએ તેમની માતૃભાષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું. આ ઘટનાને ધ્યાને લઇ ૨૧ ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવાની દરખાસ્ત કેનેડાના વાનકુંવરમાં રહેતા બંગાળીઓ રફીકુલ ઇસ્લામ અને અબ્દુસ સલામે કરી હતી. તેમણે ૯ જાન્યુઆરી ૧૯૯૮ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘના તત્કાલીન પ્રમુખ કોફી અન્નાનને એક પત્ર લખીને ૧૯૫૨માં ભાષા ચળવળ દરમિયાન ઢાકામાં થયેલી હત્યાની યાદમાં ૨૧ ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ જાહેર કરીને વિશ્વની ભાષાઓને લુપ્ત થતી બચાવવા માટે એક પગલું ભરવા જણાવ્યું હતું. યુનેસ્કો દ્વારા સૌપ્રથમ ૧૭ નવેમ્બર ૧૯૯૯ના રોજ ૨૧ ફેબ્રુઆરીના દિવસને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. આ ઘોષણા બાંગ્લાદેશીઓ (તે સમયે પૂર્વ પાકિસ્તાનીઓ) દ્વારા કરવામાં આવેલી ભાષા ચળવળને શ્રદ્ધાંજલિ રૂપે કરવામાં આવી હતી. ટૂંકમાં માતૃભાષા દિવસની ઉજવણીનો ઈતિહાસ એ વાતનો સૂર પુરાવે છે કે બાંગ્લાદેશના નિર્માણના પાયામાં માતૃભાષા, માતૃભૂમિ અને સંસ્કૃતિ અભિન્ન રીતે જોડાયેલ છે.
બાળક જયારે માતાના ગર્ભમાં હોય છે ત્યારથી જ તે જે ભાષાની અવારનવાર અનુભૂતિ કરે છે, તેના પારિવારિક વારસામાં તેને જે ભાષા મળી છે તે ભાષા તેની માતૃભાષાના સ્વરૂપમાં પ્રસ્થાપિત થાય છે. મનોવિજ્ઞાનના સંશોધનો એવું કહે છે કે જે બાળકને તેનું પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે છે તેનો સર્વાંગી વિકાસ યોગ્ય રીતે થવાની શક્યતાઓ વધી જાય છે. બાળકના મનમાં જાગ્રત તથા અજાગ્રત અવસ્થાઓમાં જે વિચારો આવે છે તે મહદઅંશે માતૃભાષામાં જ આવતા હોય છે. આ સ્થિતિમાં બાળક જયારે તેની માતૃભાષામાં પ્રભુત્વ વધારતું થઇ જાય છે ત્યારે તેના માટે અન્ય ભાષાઓ અને વિષયો શીખવા વધુ સરળ બની જાય છે. આ જ કારણોને લીધે યુનેસ્કો દ્વારા દુનિયાના તમામ દેશોને સુચન કરવામાં આવ્યું છે કે શક્ય હોય ત્યાં સુધી બાળકોને તેનું પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવું જોઈએ. આપણે ત્યાં પણ મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમમાં પણ માતૃભાષામાં શિક્ષણ આપવાને મહત્વ આપવામાં આવ્યું છે. પરંતુ આપણે સૌ જોઈએ છીએ અને જાણીએ છીએ તેમ આપણે ત્યાં આજકાલ બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું ભૂત ભરપૂર માત્રામાં ધૂણી રહ્યું છે. આ બાબતે માતૃભાષાના સંવર્ધન અને સંરક્ષણ માટે સરકારે બાળકોના પ્રાથમિક શિક્ષણને ફરજીયાત માતૃભાષામાં જ આપવું તેવી કડક નીતિ ઘડવી ખુબ જ જરૂરી છે અને આ કરવા માટે સરકારની પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિ હોવી ખુબ જ જરૂરી છે. સરકાર દ્વારા માતૃભાષા દિવસની ઉજવણીના નામે માત્ર મેળાવડા કરવાથી માતૃભાષાનો જયકાર ન થઇ શકે.
ભાષાએ સ્થિર કે જડ પ્રકૃતિની નથી. તે ચેતન છે, તે સતત વહેતો પ્રવાહ છે. તે સતત બદલાયા કરે છે. સમય જતા તે તેનું રંગ ,રૂપ અને સ્વરૂપ બદલે છે. માટે જ આપણી ગુજરાતી ભાષામાં અનેક અન્ય ભાષાના શબ્દો અસ્તિત્વમાં છે. તેમાં આજે પણ સતત નવા શબ્દો ઉમેરતા જાય છે ને કેટલાક શબ્દો લુપ્ત થતા જાય છે. આજથી પાચસ વર્ષ પહેલાની ગુજરાતી ભાષામાં અને આજની ગુજરાતી ભાષામાં આપણને અનેક ઘણો બદલાવ જોવા મળશે. આજે આપણી ભાષામાં અંગ્રેજી શબ્દોનું અસ્તિત્વ વધુ જોવા મળશે જે પહેલા કદાચા આટલી વિપુલ માત્રામાં ન હતું. આપણી માતૃભાષામાં આ અંગ્રેજી કે અન્ય ભાષાના શબ્દોનું પ્રમાણ વધવા પાછળનું એક મુખ્ય કારણ છે આપણી બદલાયેલ બજાર વ્યવસ્થા. જેમ કે હું સાણંદની બજારમાં શાકભાજી ખરીદવા જાઉં ત્યારે વેપારી મને તરત જ કહે કે “આલુ કિતના ચાહિએ”? તો સાણંદના બજારમાં વધી રહેલ હિંદી શબ્દો કે ભાષાનું પ્રમાણ પાછળનું કારણ એ છે કે આ બજારમાં દિવસે ને દિવસે પરપ્રાંતીઓની સંખ્યા વધી રહી છે જેના કારણે બજારના વ્યવહારમાં હિંદી ભાષાનું પ્રભુત્વ વધી રહ્યું છે. આ સ્થિતિમાં જો આપણે માતૃભાષાની માવજત કરવી હશે તો એક ગુજરાતી તરીકે મારે મારા ઘરમાં, બજારમાં તથા સામાજિક અને રાજકીય જીવન વ્યવહારમાં મહત્તમ રીતે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવો પડશે. એટલે કે “આલુ કિતના ચાહિએ” ના જવાબ આપણે કહેવું પડશે કે ભાઈ હું ગુજરાતી જ છું…! એટલે તરત જ સામેવાળો વેપારી ગુજરાતીમાં સંવાદ કરવાનું શરુ કરશે.
આપણે માતૃભાષાના સંવર્ધન અને સંરક્ષણની જવાબદારી માત્ર સાહિત્યકારોને જ સોંપી દીધી હોય તેમ લાગે છે. વિશ્વ માતૃભાષા દિવસે સાહિત્ય પરિષદ, સાહિત્ય અકાદમી અને માતૃભાષા અભિયાન દ્વારા માતૃભાષાના સંવર્ધન અને સંરક્ષણ માટે અનેક કાર્યક્રમોનું આયોજન થયું. આ પ્રયત્નો ચોક્કસ આવકાર્ય છે. પરંતુ આ કાર્યક્રમોમાં મોટાભાગે માતૃભાષાનો જયકાર કરતી સાહિત્યિક રચનાઓ પ્રસ્તુત થઇ. કદાચ આપણને એવું લાગે છે કે માતૃભાષામાં જેટલું વધુ સાહિત્ય રચાશે તેટલી માતૃભાષા સમૃદ્ધ થશે. પરંતુ અહિયાં આપણે એ સમજવું જરૂરી છે કે સાહિત્યએ ભાષાનો એક મહત્વનો હિસ્સો હોય છે પરંતુ માત્ર સાહિત્ય એ જ ભાષા કે ભાષા એટલે માત્ર સાહિત્ય એમ આપણે માનીએ તો તે ભૂલ ભરેલી વાત ગણાય. કારણે કે આપણે આપણા રોજીંદા જીવનમાં જે ભાષાનો ઉપયોગ કરીએ છીએ તેમાં કવિતાઓ, નવલકથાઓ, નવલિકાઓ, ગઝલ, જીવન ચરિત્રો, નિબંધ લેખો કે નાટકોનો નહીવત ઉપયોગ કરીએ છીએ. માટે, આપણે તે સમજવું ખુબ જ જરૂરી છે કે ભાષાએ માત્ર સાહિત્યનો જ ભાગ નથી પરંતુ તે આપણા ઘરના, બજારના અને સરકાર સાથેના રોજીંદા જીવન વ્યવહારનો અભિન્ન હિસ્સો છે. માટે તેનો વિસ્તૃત ઉપયોગ આ તમામ જગ્યાઓ પર થશે ત્યારે જ આપણે માતૃભાષાની માવજત કરી કહેવાશે.
