દિન વિશેષ: આજે ૨૫ ફેબ્રુઆરી, ગુજરાત રાજ્યની સ્થાપના જેમના વરદ હસ્તે થયેલ તેવા માણસાઈના દીવાને પ્રજ્વલિત કરનાર મૂક લોકસેવક રવિશંકર મહારાજની જન્મજયંતી

ભારતની આઝાદીના ઇતિહાસમાં ગાંધીયુગ અને ગાંધી વિચારધારાનું આગવું મહત્વ રહેલ છે. આઝાદીની ચળવળ દરમિયાન અનેક લોકો ગાંધીરંગે રંગાયા. તેમાંથી કેટલાકે સક્રિય રાજકારણનો તો કેટલાકે લોકો વચ્ચે જઈને સમાજસેવા કરવાનો માર્ગ અપનાવ્યો. આવા જ ગાંધીરંગે રંગાયેલ મૂક લોકસેવક એટલે રવિશંકર શિવરામ વ્યાસ કે જેમને આપણે “રવિશંકર મહારાજ” તરીકે ઓળખીએ છીએ. રવિશંકર મહારાજનો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૮૮૪ના રોજ ખેડા જિલ્લાના રઢુ ગામે થયેલ. અભ્યાસ માત્ર છ ચોપડીનો જ હોવા છતાં રવિશંકર પાસે રહેલ આગવી કોઠાસૂઝ અને જીવનમૂલ્યોને સમજવાની આવડતે આગળ જતા અનેક લોકોના જીવનમાર્ગને ઉજાગર કર્યા. માતા-પિતા પાસેથી મળેલ સદાગી, સરળતા, સાહસિકતા અને કરકસર પણાના ગુણો આજીવન તેમની જીવનશૈલીના અભિન્ન અંગ બની રહ્યા.

પ્લેગ રોગચાળામાં માતાપિતાને ગુમાવ્યા બાદ રવિશંકરના મનમાં સમગ્ર માનવ સમાજના દુઃખો દૂર કરવાનું મંથન ચાલ્યું. ધીરજપૂર્વક, ક્ષણિક આવેશ કે ઉશ્કેરાટમાં નહિ પરંતુ ઊંડાણપૂર્વક વિચારને અંતે તેમણે આજીવન જનસેવાના માર્ગે ચાલવાનો નિર્ણય કર્યો અને તેને આજીવન પાળ્યો. વીસ વર્ષની વયે તેમને આર્યસમાજનો પરિચય થયો. આર્યસમાજના સિદ્ધાંતોથી તેઓ ઘણા પ્રભાવિત થયા અને તેમણે મૂર્તિપૂજાનો સખત વિરોધ પણ કર્યો. સ્વામી દયાનંદ સરસ્વતીના કથન, “આર્ય પર અનાર્ય કા રાજ્ય નહિ હોના ચાહિયે” રવિશંકરના મનમાં રાષ્ટ્ભાવના જાગૃત કરી. વર્ષ ૧૯૧૫માં મોહનલાલ પંડ્યાએ કોચરબ આશ્રમમાં રવિશંકરની મુલાકાત ગાંધીજી સાથે કરાવી. તેમના જીવનનો માર્ગ આ મુલાકાત બાદ જાણે એક નવી જ દિશા તરફ વળ્યો. તેમની મૂક લોકસેવાનો સિલસિલો આ મુલાકાત બાદ શરૂ થયો.

ગાંધીરંગે રંગાયેલ રવિશંકરને ગામડામાં જઈને વસવાનો ગાંધીજીનો સંદેશ ખુબ જ અસર કરી ગયો. તેમને લાગ્યું કે ગૃહસ્થ જીવનમાં રહી લોકસેવાનું કાર્ય કરવું શક્ય બને તેમ નથી. રવિશંકર મહારાજે જયારે પત્ની સુરજબાને આ નિર્ણય અંગે વાત કરી ત્યારે તેમણે પણ લોકસેવાના કાર્યોમાં સાથે જોડવાનો આગ્રહ કર્યો. આ જાણીને રવિશંકરે તેમની તમામ સંપતિ ગાંધીજીના ચરણે ધરી દેવાનો પ્રસ્તાવ સુરજબા સામે મુક્યો. આ સંભાળીને લાગણીમાં વહી જવાને બદલે સુરજબાએ પોતાના ચાર સંતાનોના ભવિષ્યનો વિચાર કર્યો અને ઘરે રહીને પોતાના પરિવારને સાંભળવાનું પસંદ કર્યું. આમ, પરિવાર ત્યાગ કરીને દેશસેવાનો માર્ગ અપનાવવા ઈચ્છતા પતિને સુરજબાએ રાજીખુશીથી રાજા આપી. ભારે ગડમથલને અંતે રવિશંકર મહારાજે ઘર છોડીને દેશસેવા માટે જીવન સમર્પિત કરવાનો નિર્ણય વર્ષ ૧૯૨૧માં લીધો.

ઘર છોડ્યા બાદ રવિશંકર મહારાજનું જીવન સન્યાસી જેવું બની ગયું. તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર ગુજરાતના ગામડા હતા. કોઈ પણ વાહનનો સહારો લીધા વિના, કોઈ પણ ઋતુ કે રોગની ચિંતા કર્યા વિના તે પગપાળા એક ગામથી બીજે ગામ અવિરત જતા. વર્ષ ૧૯૨૦માં પગરખાં ચોરાયા ત્યારથી જ પગરખાંનો ત્યાગ કરી દીધેલ એટલે પગમાં પગરખાં પણ નહિ! રાત્રે કોઈ પણ ગ્રામજનને ત્યાં ફળિયામાં નાની ખાટલીમાં સુઈ રહેવું, એક જ ટંકનું ભોજન લેવું અને સવાર પડતા જ સ્નાન કરી પોતાના થેલામાં બે જોડ કપડા લઇ ચાલી નીકળવું, આ તેમનો નિત્યક્રમ બની ગયો હતો. તેમના પોશાકમાં ધોતિયાના માપ કરતાં અડધું એવું પંચિયું, બંડી અને ટોપી. આ બધું જ તે જાતે રેંટિયો કાંતીને તૈયાર કરતા. પોતી જરૂર પુરતું સૂતર રાખતા અને બાકીનું મિત્રોને આપી દેતા. એટલું જ નહિ, તેમણે જાતે જ નક્કી કરેલ નિયમ પ્રમાણે એક પંચિયું તે દોઢ વરસ સુધી ચલાવતા. તેની કાળજી પણ એટલી જ લેતા. તેને જાતે જ સંભાળીને ધોતા, જેથી ફાટે નહિ અને ક્યારેક ફાટે તો પણ તે સાંધીને પહેરતા. બંડી અને ટોપી તો ગમે તેવી હાલતમાં પણ અઢી વરસ સુધી ચલાવવાની એટલે ચલાવવાની જ. રાત્રે માટીના વાસણમાં રાંધેલી ખીચડી એ તેમનું ભોજન. પોતે જ્યાં ઊતર્યા હોય તે ઘરના લોકોને પણ તેમાંથી ખીચડી ખવડાવે. રાત્રે ગામવાસીઓ સાથે બેસવાનું, તેમની મુશ્કેલીઓ સંભાળવાની અને તેનું નિવારણ સૂચવવાનું. આ તેમનો નિત્યક્રમ.

આઝાદીની ચળવળમાં અસહકાર આંદોલનથી શરૂ કરીને ખેડા સત્યાગ્રહ, નાગપુર ઝંડા સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ, હિંદ છોડો આંદોલન તથા આઝાદી બાદ વિનોબા ભાવેના ભૂદાનયજ્ઞમાં રવિશંકર મહારાજે સક્રિય ભૂમિકા નિભાવી હતી. ગાંધીજીની ઈચ્છાને માન આપી મહારાજ ચોર-ડાકુ ગણાતી ખેડા જિલ્લાની કાંઠા વિભાગની પાટણવાડિયા કોમની સેવામાં લાગી ગયા. આ કોમને પોલીસથાણે ફરજિયાત હાજરી પુરાવવાની અપમાનભરી પ્રથામાંથી મુક્તિ અપાવી. વળી તેમને ચોરી, ડાકુગીરી જેવા અપરાધોથી મુક્ત કરવા રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરી. મહારાજે પ્રેમથી ચોર, ડાકુ, બહારવટિયા, ખૂની અને દારૂડિયાઓના અંતરના ઊંડાણમાં પડેલ સદભાવનાને જગાડી તેમનામાં માનવતાના દીવડા પ્રગટાવ્યા તથા તેમણે સદાચારી નાગરિક જીવનની દીક્ષા આપી. રવિશંકર મહારાજના આ મહાન કાર્યને કવિ ઝવેરચંદ મેઘાણીએ “માણસાઈના દીવા” પુસ્તક દ્વારા અમર કર્યું.

૧૯૫૫ થી ૧૯૫૮ દરમિયાન ૭૧ વર્ષની વયે તેઓ ભૂદાન માટે ૬૦૦૦ કિલોમીટર ચાલ્યા હતા. આ દરમિયાન આખી જિંદગી માત્ર એક જ ટંક ખીચડી ભોજનમાં લેતા અને પોતાના માટે એક રૂપિયો પણ ન વાપરનાર આ અદના માનવીએ કરોડો રૂપિયા અને કિમતી જમીનોના દાન મેળવ્યા હતા. તેથી જ તેમને “કરોડપતિ ભિખારી” ના ઉપનામથી પણ ઓળખવામાં આવે છે. નવાઈ પમાડે તેવી વાત એ છે કે રવિશંકર મહારાજે લોકોને સાથે રાખીને, લોકો માટે કામ કર્યું ને છતાય તેમણે ન કોઈ સંસ્થા સ્થાપી કે ન કોઈ આશ્રમ ઉભો કર્યો. તેમણે ખાદીના એક પણ કેન્દ્ર સ્થાપ્યા વિના જ અનેક લોકોને કાંતતા કર્યા. ૧ મે, ૧૯૬૦ ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના તેમના જ વરદહસ્તે થઇ હતી. ઈ.સ. ૧૯૮૪ સુધી જે કોઈ ગુજરાતના મુખ્યમંત્રી બને તે સોગંદ વિધિ બાદ તરત જ મહારાજના આશીર્વાદ લેવા જતા તેવી પ્રણાલી થઇ હતી. ૧૯૭૫માં દેશમાં લાદવામાં આવેલ કટોકટીનો તેમણે વિરોધ કરેલ. ૧ જુલાઈ, ૧૯૮૪ ના રોજ ૧૦૦ વર્ષની ઉંમરે બોરસદ મુકામે તેમનું અવસાન થયેલ.

આવા મૂક લોકસેવક રવિશંકર મહારાજ માટે વિનોબા ભાવે એ કહ્યું હતું કે, “જે કોટિના તુકારામ હતા, તે જ કોટિના આપણા રવિશંકર મહારાજ છે” મહાત્મા ગાંધીએ પણ રવિશંકર મહારાજને કહ્યું હતું કે, જો ઈશ્વર અદલા બદલી કરવા દે અને તમે ઉદાર થઇ જાઓ તો તમારી સાથે જરૂર અદલા બદલી કરું”. આજે તેમના જન્મદિનને માત્ર પુષ્પાંજલિ પુરતો સિમિત ન રાખતા, તેમના જીવનનો જે કોઈ પણ ગુણ આપણને સ્પર્શતો હોય તેને અનુસરવાનો નાનકડો પ્રયત્ન રવિશંકર મહારાજના લોકસેવાના યજ્ઞમાં આપણી આહુતિ ગણાશે.

Social