માણસામાં આવેલી ‘હોટલ ક્રિ’ સામે ફરિયાદ નોંધાઈ, પથિક સોફ્ટવેરની ગેરહાજરીને લઈને કાર્યવાહી

   શહેરમાં ગુનાખોરીમાં ઘટાડો થાય અને નાગરિકો સારી રીતે રહી શકે તે માટે પોલીસ દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનેક પ્રયોગો કરવામાં આવતા હોય છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગની સાથે કેટલાક ડેટાને લગતા નિયમોનું પાલન કરાવીને પણ શાંતિ યથાવત રહે તેવા પગલા લેવામાં આવતા હોય છે. આવું જ એક પગલું પોલીસ દ્વારા પથિક સોફ્ટવેર ફરજિયાત કરીને લેવામાં આવ્યું છે. પથિક સોફ્ટવેરનું પુરૂ નામ પ્રોગ્રામ ફોર એનાલીસીસ ઓફ ટ્રાવેલર એન્ડ હોટલ ઇન્ફોર્મેટિક્સ છે.
   આ નિયમ હેઠળ દરેક હોટેલે ગ્રાહકની મેન્યુઅલ એન્ટ્રી ઉપરાંત ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથેનું એક કમ્પ્યુટર રાખવું ફરજિયાત છે જેમાં પથિક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનો હોય છે. આ સોફ્ટવેરમાં હોટલમાં આવતા મુસાફરોની એન્ટ્રી ઓનલાઇન કરવાની હોય છે. જો કે ગાંધીનગરમાં માણસાથી વીસનગર રોડ પર આવેલી હોટલ ક્રિમાં રવિવારે હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન કેટલાક નિયમોનું ઉલ્લંઘન થયેલું હોવાનું સામે આવ્યું છે. રવિવારે જ્યારે પોલીસ હોટલ ક્રિમાં ચેકિંગ માટે પહોંચી એ સમયે પોલીસને સુરેશભાઈ કેવીલાલ પટેલ નામનો વ્યક્તિ હોટલના રીસેપ્શન પર બેઠેલો જોવા મળ્યો હતો. તેણે પોતાની ઓળખ આ હોટલના મેનેજર તરીકેની આપી હતી. તે મૂળ રાજસ્થાનના ઉદયપુરમાં આવેલા સારોડા તાલુકાના ઠાકરડા ગામનો વતની છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હોટલ ક્રિમાં રજીસ્ટર મુજબની એન્ટ્રી હોટલ ક્રીમાં થઈ ન હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે રજીસ્ટરમાં કરવામાં આવેલી એન્ટ્રી નંબર 3029, 3038, 3052, 3056 થી 3059 તેમજ 3068 એમ કુલ આઠ એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં કરેલી ન હતી. નિયમના ઉલ્લંઘન મામલે પોલીસે સુરેશભાઈ કેવીલાલ પટેલ સામે ફરિયાદ નોંધી છે. નિયમના ઉલ્લંઘનને લઈને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Social