રાજકોટ-અમદાવાદ સિક્સ લેન પ્રોજેક્ટમાં રાજકોટના દંપતીએ સરકાર પાસેથી જમીન સંપાદન પેટે રૂ.1.46 કરોડ મેળવી લીધા, 3 દિવસમાં રકમ પરત કરવા દંપતીને નોટિસ
રાજકોટ-અમદાવાદ સિક્સ લેન પ્રોજેક્ટમાં રાજકોટના દંપતીએ જમીન પોતાની માલિકીની હોવાના ખોટા પુરાવા રજૂ કરી સરકાર પાસેથી જમીન સંપાદન પેટે રૂ. 1.46 કરોડ મેળવી લીધા હતા. જે બાદ એક વ્યક્તિએ આ જમીન પોતાની હોવાનું જણાવી વળતર માંગતા આ અંગેના કેસમાં રાજકોટ શહેર-2 નાયબ કલેક્ટર દ્વારા વળતર પરત આપવા દંપતીને હુકમ કર્યો હતો. જે બાદ દંપતીએ હાઇકોર્ટમાં કેસ કરતાં હાઇકોર્ટે ફટકાર લગાવી હતી. તેથી રાજકોટ શહેર પ્રાંત-2 દ્વારા દંપતીને નોટિસ ફટકારી ત્રણ દિવસમાં વળતર ચૂકવવા માટે આદેશ આપ્યો છે.
પી.ડી.એમ કોલેજ પાસે રામનગર-8માં રહેતા કૌમુદીબેન વસંતરાય હિન્ડોચા અને તેના પતિ જ્યોતિનભાઈ ઘનશ્યામભાઈ નથવાણીએ કુવાડવાની સ.નં. 545 પૈકીની બિનખેતી પ્લોટની 1145 ચો.મી જમીન પોતાની હોવાનું દર્શાવી સરકાર તરફથી રૂા. 1,46,57,099નું વળતર મેળવી લીધું હતું. તંત્રએ જે તે સમયે ગામ દફતરના રેકોર્ડ ધ્યાને લઈ વળતર આપ્યું હતું.દરમિયાન કલકતામાં રહેતા પન્નાલાલ પીરચંદ કોચરે આ જમીન પોતાની હોવાનો દાવો કર્યો હતો અને આ જમીનનો 2004માં કરેલ દસ્તાવેજ રજૂ કર્યો હતો. રજૂ થયેલા રેકર્ડ મુજબ, આ જમીન કોન્ટીનેટલ ટ્રાન્સપોર્ટ એજન્સીના બે ભાગીદારનાં નામે નોંધાયેલી હતી, જે પૈકી સુરેન્દ્રકુમાર માણેકચંદ ભાદાણીએ પન્નાલાલને રજીસ્ટર્ડ રીલીઝડીડ 2011માં કરી આપેલ અને તેની નોંધ પણ પડી હતી.
પરતું રાજકોટના દંપતીએ વેંચાણ દસ્તાવેજ અને નોંધ છૂપાવી વર્તમાન માલિકી તેની ગણાવી, 19 વર્ષ પછી રાજકોટની કોર્ટમાં દાવો દાખલ કરી જમીન સંપાદનનું વળતર મેળવી લીધું હતું. આ જમીનના સંપાદનનાં વળતર અંગેનો કેસ રાજકોટ શહેર-2ના નાયબ કલેકટર સમક્ષ ચાલી જતાં તમામ આધાર પૂરાવાની ચકાસણી કરીને તેમણે ઠરાવ્યું છે કે જમીનનું વળતર ખોટી રીતે મેળવી લીધાનું જણાય છે. દંપતીએ જમીનનું વળતર ખોટી રીતે મેળવી લીધા હોવાનું જણાતા રૂપિયા 1.46 કરોડનું વળતર 10 દિવસમાં પરત જમા કરવા હુકમ કર્યો હતો. જેમાં કૌમુદીબેન વસંતરાય હિન્ડોચા અને તેના પતિ જ્યોતિનભાઈ ઘનશ્યામભાઈ નથવાણીએ હાઇકોર્ટમાં કેસ કરતા હાઇકોર્ટે પણ દંપતીને ફટકાર લગાવી હતી. હાઇકોર્ટના આદેશને પગલે રાજકોટ સિટી પ્રાંત-2 દ્વારા 3 દિવસમાં વળતરની રકમ જમા કરાવવા દંપતીને નોટિસ ફટકારી છે. આ સાથે જ જો દંપતી નાણાં નહીં ચૂકવે તો કન્ટેમ્પટ ઓફ કોર્ટ કરવામાં આવશે. સમગ્ર હકીકત સામે આવતા દંપતીને મળેલું વળતર પરત ચૂકવવા માટે આદેશ આપવામાં આવ્યો છે.જેને પગલે હવે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
