દહેગામ – બાયડ હાઇવે પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત : ચાલકની હાલત ગંભીર
દહેગામ તાલુકાના પાલૈયા નજીક દહેગામ – બાયડ હાઇવે પરથી પસાર થઈ રહેલ ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ ભાગીને ભુક્કો થઈ જવા પામ્યો હતો. અકસ્માતમાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી હોવાની અને ચાલકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફિકજામ થઈ જતા અન્ય વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઈજાગ્રસ્ત કાર ચાલકને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દહેગામ – બાયડ હાઈવે પર પાલૈયા ગામ નજીક ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ડમ્પર રોડ સાઈડની ચોકડીમાં જે ઉતરી પડ્યું હતું. તો કારનો આગળનો ભાગ ભાગીને ભૂક્કો થઈ ગયો હતો. અકસ્માતમાં કાર ચાલક કારમાં ફસાઈ જતા મહામુસીબતે બહાર કઢયો હતો. બાદમાં હાજર લોકોએ 108 પર કોલ કરતા દહેગામ લોકેશનના પાઇલોટ કાળુસિંહ અને ઈએમટી અરવિંદસિંહ તાત્કાલિક અકસ્માત સ્થળે દોડી આવી ઈજાગ્રસ્ત મંગળભાઈ જેસીંગભાઇ તલાર રહે. હાડોડ, તા. લુણાવાડા ને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. 108 ના સૂત્રોના જણાવ્યા અનુસાર કાર ચાલકને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી હાલત ગંભીર છે. કારમાં કુલ ત્રણ વ્યક્તિ સવાર હોવાનું અને અન્ય કે બાળકીને પણ ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.
