સાણંદ શહેરની બજારમાંથી પાલિકાએ પ્રતિબંધિત સાડા પાંચ કિલો પ્લાસ્ટિક મટીરીયલ જપ્ત કર્યું
સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓના સ્ટોકિંગ, વિતરણ,વેચાણ અને ઉપયોગ પર સાણંદ પાલિકાએ કડક અમલવારી શરૂ કરી છે, સાણંદ નગર પાલિકાએ સાણંદમાં કેટલાક વેપારીઓ મોટા પાયે સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓનો વેપાર કરી રહ્યા હોવાની માહિતી આધારે બજારમાં ચેકિંગ કરી સાડા પાંચ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક મટીરીયલ જપ્ત કરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સાણંદ નગરપાલિકાના સેનેટરી વિભાગ દ્વારા સાણંદ શાક માર્કેટ અને મેઇન બજારમાં આવેલ દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને જેમાં પાલિકાના કર્મીઓએ અલગ અલગ 14 દુકાનોમાં ચેકિંગ કર્યું હતું અને 2 દુકાનોમાંથી પ્લાસ્ટિક બેગો, ડિસ્પોજેબલ આઇટમો અને અન્ય ચીજ વસ્તુઓની જપ્તી શરૂ કરાતા જ બજારમાં દોડધામ શરૂ થઈ જવા પામી હતી. અને પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક સાડા પાંચ કિલો જપ્ત કરી બન્ને દુકાનદારોને રૂ.500-500નો દંડ ફટકાર્યો હતો.
