બોર્ડની પરીક્ષા: પરીક્ષાનો તણાવ અને તણાવની પરીક્ષાના ઉકેલો
કેટલીક પરિસ્થિતિ કે શબ્દો નજર સમક્ષ આવતાની સાથે જ ઘણા લોકોના મનમાં અને તેમની આસપાસના વાતાવરણમાં ચિંતા કે તણાવ શરૂ થઇ જતો હોય છે. એમનો જ એક શબ્દ એટલે “પરીક્ષા”. જરૂરી નથી દરેક વ્યક્તિને ફરજિયાતપણે પરીક્ષાની ચિંતા કે તણાવ હોય અથવા હોવો જ જોઈએ. પરંતુ હવે તો જે વિદ્યાર્થીને પરીક્ષા આપવાની છે તેને તણાવ કે ચિંતા ન હોય તો તેની ચિંતા કે તણાવ પરિવારના કે આસપાસ લોકોને હોય છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીના વાલી કે નજીકના અન્ય વ્યક્તિઓની પ્રતિક્રિયા આવતી હોય છે કે; “ચાર દિવસ પછી પરીક્ષા છે અને તેને તો કઈ પડી જ નથી...!” એટલે કે પરીક્ષાનો તણાવ ન હોવાનો પણ તણાવ. તો બીજી બાજુ કેટલાક બાળકોને પરીક્ષાનો ડર કે જેને આપણે મનોવિજ્ઞાનની ભાષામાં “Exam Phobia” કહીએ છીએ, તે હોવાને કારણે જેમ જેમ પરીક્ષાનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ તે બાળકોમાં ચિંતા અને તણાવનું પ્રમાણ વધતું જાય છે. જેના પરિણામ સ્વરૂપે ઘણીવખત બાળકોને પરીક્ષા દરમિયાન શારીરિક માંદગીનો સામનો કરવો પડતો હોય છે. આગામી ૧૧ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ગુજરાત બોર્ડના લાખો વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે આજે આપણે પરીક્ષાના તણાવ અને તેના ઉકેલ અંગે વાત કરીશું.
સૌ પ્રથમ આપણે તણાવ એટલે શું તે સમજીએ તો, આપણું શરીર આપણા રોજીંદા જીવનમાં ઉદ્દભવતી વિવિધ પ્રકારની પરિસ્થિતિઓને અસરકારક રીતે જવાબ આપવા ટેવાયેલું છે. સામાન્ય સંજોગોમાં આપણું મગજ માહિતીને વ્યવસ્થિત કરવામાં, કેવી રીતે જવાબ આપવો તે વિષે કાળજીપૂર્વક વિચારવામાં અને અસરકારક રીતે નિર્ણય લેવા માટે સક્ષમ હોય છે. પરંતુ જયારે આપણે કોઈ વિપરીત પરિસ્થિતિમાંથી સામાન્ય રીતે રસ્તો કાઢવામાં અવરોધ અનુભવી છીએ જેમ કે, આવતીકાલે બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાનનું પેપર છે અને તેના માટે હું કેવી રીતે તૈયારી કરું તે સમજાતું નથી. અથવા તો હું પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર પર જવા બસમાં નીકળ્યો છું અને અચાનક જ રસ્તામાં બસ બગડી જાય છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે આપણું મગજ અને શરીર જે પ્રતિક્રિયાઓ ઉત્પન્ન કરે છે તેને તણાવ કહેવાય છે. બીજી રીતે સમજીએ તો આપણા આંતરિક કે બાહ્ય વાતાવરણમાં એવી કોઈ પરિસ્થિતિ ઉભી થાય છે કે જે આપણા માટે હાનીકારક, ભયજનક કે આપણા કાબુ બહારની અથવા આપણી ક્ષમતા કરતા ઉપરવટ જણાતી હોય ત્યારે આવા પ્રતિકૂળ સંજોગોને પહોંચી વળવા આપણું શરીર અને મન જે પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે તેને તણાવ કહેવાય.
આપણે એ સમજી લેવાની જરૂર છે કે આપણા આંતરિક કે બાહ્ય વાતાવરણમાં હંમેશા અનુકૂળ પરિસ્થિતિઓ રહેતી નથી. ક્યારેક ને ક્યારેક આપણે આપણા જીવનકાળ દરમિયાન પ્રતિકૂળ સ્થિતિનો સામનો કરવો જ પડે છે. માટે આપણા જીવનની કેટલીક પ્રતિકૂળ સ્થિતિઓમાં તણાવનો અનુભવ થવો તે સહજ છે અને તે આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે. એટલે બોર્ડની પરીક્ષા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓને તણાવ આવવો તે સહજ છે. તેવી જ રીતે આ સ્થિતિમાં કેટલાક વાલીઓમાં પણ તણાવ જોવા મળે તે પણ સહજ છે. પરંતુ પરીક્ષા સમયે ઉદ્દભવતી આ તણાવયુક્ત સ્થિતિનું યોગ્ય વ્યવસ્થાપન કરવામાં વિદ્યાર્થી અને વાલી કેટલા સફળ નીવડે છે તે સૌથી અગત્યની બાબત છે. માટે જ પરીક્ષાના તણાવ દરમિયાન તણાવની પરીક્ષામાંથી કેવી રીતે ઉત્તીર્ણ થવું તે સમજવું ખુબ જ જરૂરી છે.
સૌ પ્રથમ તણાવયુક્ત સ્થિતિને ઓળખવી ખુબ જ જરૂરી છે. વ્યક્તિમાં થઇ રહેલ શારીરિક, માનસિક, ભાવાત્મક અને વર્તનસંબંધી બદલાવોના અવલોકન કરવાથી વ્યક્તિ તણાવયુક્ત સ્થિતિમાં છે કે કેમ તે સમજી શકાય છે. જેમ કે ખોરાક પ્રત્યે અરુચિ થવી કે અચાનક ખોરાક વધી જવો, કોઈ કામમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત ન થવું, વાતવાતમાં રડી પડવું, ઊંઘ ન આવવી કે વધુ પડતી ઊંઘ આવવી વગેરે. માટે આ રીતે બાળક પરીક્ષા દરમિયાન તણાવની સ્થિતિમાં છે કે કેમ તે જાણવું જરૂરી છે અને જો તે તણાવમાં હોય તો તેને તે સ્થિતિમાં સહજ રીતે સ્વીકારવું જરૂરી છે.
કેટલીક તણાવયુક્ત પરિસ્થિતિ વ્યક્તિ માટે ફાયદારૂપ સાબિત થતી હોય છે. જેમ કે પરીક્ષાની પૂરતી તૈયારી ન કરી હોવાને કારણે મને પરીક્ષાની તારીખ નજીક આવતા ચિંતા થશે તો હું વધુ મહેનત કરીશ અને યોગ્ય પરિણામ મેળવવાનો પ્રયત્ન કરીશ. એટલે કે આવી સ્થિતિમાં તણાવ આપણને પડકારોનો સામનો કરતા શીખવે છે. પરંતુ ક્યારેક તેનાથી વિપરીત સ્થિતિ પણ હોઈ શકે છે જેમ કે, પરીક્ષાની પૂરતી તૈયારી કરી હોવા છતાં પણ જેમ જેમ પરીક્ષાની તારીખ નજીક આવે છે તેમ તેમ બાળકના મનમાં ચિંતાનું પ્રમાણ વધતું જાય અથવા માતાપિતા કે પરિવારના અન્ય કોઈ સભ્ય દ્વારા બાળકની તુલના કોઈ અન્ય બાળકો સાથે કરવામાં આવે છે ત્યારે અથવા કોઈ ચોક્કસ વિષયનું પેપર આપણી અપેક્ષા કરતા વિપરીત જાય ત્યારે આવી સ્થિતિમાં ઉદ્દભવતા તણાવનું યોગ્ય વ્યવસ્થાપન કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. આ સ્થિતિમાં વિદ્યાર્થી અને વાલી બંનેએ ધીરજ જાળવી રાખવી અત્યંત જરૂરી છે. જે વીતી ગયું છે તે ભૂતકાળમાં આપણે કોઈ બદલાવ લાવી શકવાના નથી માટે તેની ચિંતા કરવાથી કોઈ જ ફાયદો નથી. આ વાતને વહેલી તકે સમજીને વર્તમાન અને ભવિષ્યમાં શું ધ્યાન રાખી શકાય તેના પર આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. દરેક વ્યક્તિની પોતાની આગવી ક્ષમતા અને સમજ હોય છે તેને અન્ય વ્યક્તિ સાથે સરખાવવી તે જર પણ વાજબી નથી. આ વાતને વાલી તરીકે દરેક માતા-પિતા કે પરિવારના સભ્યોએ વહેલી તકે સમજીને સ્વીકારી લેવી જોઈએ. પરિવાર માટે બાળકની બોર્ડની પરીક્ષાના પરિણામ કરતા તેનું માનસિક સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે વધુ અગત્યનું હોવું જોઈએ અને આ અંગેની જાણ બાળકને પણ આપતા રહેવું જોઈએ.
બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીને ઘરમાં અનુકૂળ વાતવરણ મળી રહે તેની જવાબદારી પરિવારના સભ્યોની હોય છે. ત્યારે આપણે ત્યાં ઘણા કિસ્સાઓમાં પરીક્ષા દરમિયાન પરિવાર તમામ સભ્યો તણાવની સ્થિતિમાં જોવા મળે છે. ઘરમાં શક્ય હોય તેટલું રોજિંદુ અને સહજ વાતાવરણ રાખવાને બદલે આપણે આ સમયમાં ચોક્કસ નિયમો બનાવીએ છીએ જેમ કે ઘરના કોઈ સભ્ય ટી.વી. કે મોબાઈલનો ઉપયોગ નહિ કરે, ઘરમાં બિન જરૂરી વાતો નહિ કરવી, જમવામાં નવી વાનગીઓ બનવવા પર પ્રતિબંધ વગેરે વગેરે. બાળક પરીક્ષાની તૈયારી કરતી વખતે થોડો વિરામ લે તો તેમાં કશું જ ખોટું નથી અને વિરામ દરમિયાન તે થોડા સમય માટે ટી.વી. કે મોબાઈલનો ઉપયોગ કરે કે સંગીત સાંભળે તેમાં પણ કશું જ ખોટું નથી. આપણે યાદ રાખવું જોઈએ કે, તણાવયુક્ત પરિસ્થિતિમાં વ્યક્તિ જયારે તેની મનપસંદ પ્રવૃત્તિ કરે છે ત્યારે તે ઝડપથી તેમાંથી બહાર આવી શકે છે.
બોર્ડની પરીક્ષા દરમિયાન તણાવયુક્ત પરિસ્થિતિનું નિર્માણ થવાનું તે સહજ છે. પરંતુ આ તણાવની પરીક્ષાનો આપણે યોગ્ય ઉકેલ કાઢી આપણા બાળકોને એવો વિશ્વાસ અપાવીએ કે બોર્ડની પરીક્ષામાં જે કઈ પણ પરિણામ આવશે તેને આપણે સૌ સહજ સ્વીકારીશું અને તારા આગામી જીવનમાં આવનાર જીવનની તમામ પરીક્ષાઓ માટે તું સક્ષમ બને તે માટે અમે સૌ તારી સાથે જ છીએ. સૌને આગામી પરીક્ષાઓની શુભેચ્છા...!
અંતમાં, “સંતોષ પ્રયાસમાં રહેલો છે, પ્રાપ્તિમાં નહિ; સંપૂર્ણ પ્રયાસ સંપૂર્ણ વિજય છે.” - મહાત્મા ગાંધી
236