સુરતના ડુમ્મસમાં પથ્થરમારાની ઘટના : વરઘોડામાં ગીત વગાડવા મામલે થયું ધિંગાણું
સુરતના ડુમ્મસ રોડ પર પથ્થર મારાની ઘટના સામે આવી છે. વરઘોડો નિકળતા ગીતો વગાડવા બાબતે બે જૂથ સામ સામે આવી જતા પથ્થરમારો થયો હતો. જોકે ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી સ્થિતી પર કાબુ મેળવ્યો હતો. આ તરફ પથ્થરમારાની ઘટનામાં મહીલાઓ સહીત યુવકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના ડુમસમાં નીકળેલા વરઘોડામાં ગીત વગાડવાને લઇ વિવાદ થયો હતો. આ તરફ ઉશ્કેરાયેલા લોકોએ પથ્થરબાજી કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ તરફ પથ્થરમારાની ઘટનામાં વરઘોડામાં સામેલ થયેલી અનેક મહિલાઓ અને યુવકો ઘાયલ થયા હતા. જોકે ઘટના બાદ લોહીલૂહાણ થયેલા ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા.
આ વરઘોડા દરમિયાન ગીત વગાડવા બાબતે મામલો ઉગ્ર બની ગયો હતો. સામસામે પથ્થરમારો અને હાથમાં આવે તે લાકડા કે સામાન એકબીજા પર છૂટ્ટા ફેંકાયા હતા. આ ઘટનામાં બંને પક્ષોના લોકોને માથામાં, પગમાં, હાથમાં ઇજા પહોંચતા સિવિલ ખસેડાયા હતા.વરઘોડા પર પથ્થરમારાની ઘટના સામે આવ્યા બાદ પોલીસે બન્ને પક્ષોને સમજાવી મામલો થાળે પાડ્યો અને સમાધાન કરતાં બન્ને પક્ષે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.
