સ્કૂલમાં તસ્કરોનો હાથફેરો : વલાદની એક સ્કૂલમાં તસ્કરો 10.91 લાખ રોકડ, ચાંદીના સિક્કા ચોરી કરી ફરાર

      ગાંધીનગર જિલ્લામાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. તસ્કરો જાણે પોલીસની હયાતીને પડકારી રહ્યા હોય તેમ લાગે છે. અનેક ચોરીઓના પોલીસ ભેદ ઉકેલી શકી નથી ત્યાં તસ્કરોએ 11 લાખની ચોરીને અંજામ આપ્યો છે. મોટા ચીલોડા થી નાના ચીલોડા વચ્ચે વલાદ ગામ પાસેની આધારશિલા સ્કૂલમાં ચોરી થઈ છે. તસ્કરોએ આધારશિલા સ્કૂલને નિશાન બનાવી હતી. તસ્કરો શાળામાં રહેલ 10,91,000 રોકડ તેમજ 6400 ની કિંમતના ચાંદીના સિક્કા ચોરી કરી જતા તસ્કરો વિરુદ્ધ ડભોડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
     સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વલાદની આધારશિલા સ્કૂલમાં ગઈકાલે રાત્રે તસ્કરોએ 10 લાખથી વધુની રોકડ તેમજ ચાંદીના સિક્કા એમ કુલ 10,97,400 ની ચોરી કરી ફરાર થયા છે. આ અંગે સ્કૂલના મેનેજમેન્ટ નું કામ સંભાળતાં ગોવિંદ કુમાર મણીલાલ રાવલે ડભોડા પોલીસ સ્ટેશનને નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તેઓ મૂળ ખેરાલુ તાલુકાના બળાદ ગામના વતની છે. અને વલાદ ગામની સીમમાં આવેલ આધાર સ્કુલ કેમ્પસ ખાતે રહે છે અને સ્કૂલ કેમ્પસમાં મેનેજમેન્ટનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલ રાત્રિના આઠ વાગ્યાના તેઓ તેમની સ્કૂલના કમ્પાઉન્ડમાં રાઉન્ડ મારી અને 10 વાગ્યાના સુઈ ગયેલ અને સવારના 5:30 વાગ્યાના તેમની ઉપર સ્કૂલના સિક્યુરિટી નું કામ કરતા રતનસિંહએ ફોન કરી જણાવેલ કે ઓફિસના લોક તુટેલ છે.

   ગોવિંદ કુમાર મણીલાલ રાવલ ને જાણ થતાં તેઓ તરત જ ઓફિસ ખાતે ગયા અને જોયેલ તો મેનેજિક ડિરેક્ટર તથા એકાઉન્ટ ઓફિસર ટ્રસ્ટીની ઓફિસ તથા પી.આર ઓફિસના ઇન્ટરલોક તુટેલ હતા. જેથી તેઓએ આજુબાજુમાં તપાસ કરીને પાછળના ભાગે આવેલ સીબીએસસી એડમીન ઓફિસનું લોક પણ તુટેલ હતું.  જેથી તેઓએ એમડી કાંતિભાઈ ડાયાભાઈ પટેલને જાણ કરેલ. તેમજ મેનેજીંગ ડિરેક્ટરની ઓફિસમાં રાખેલ રોકડ રકમ 10,20,800 કે જે અલગ અલગ દરની ચલણી નોટો તેમજ સીબીએસસી વિભાગની ઓફિસમાંથી રોકડ રકમ ₹26,000 તથા એકાઉન્ટ વિભાગમાંથી રોકડ રૂ. 25,000 તથા સ્કૂલમાં યજ્ઞ કરેલ હોવાથી બધા સ્ટાફના લોકોને ચાંદીના સિક્કા આપેલ જેમાં આઠ નંગ સિક્કા વધેલા હતા. જેની કિંમત 6400 ગણાય છે તે પણ ચોરી થઈ ગઈ હતી. તેમજ બાળકોને પ્રવાસમાં લઈ જવા એક વિદ્યાર્થી દીઠ 5200 કુલ આશરે 200 વિદ્યાર્થીના પ્રવાસના પૈસા હતા. બીજા પૈસા ઓફિસના હતા. એમ કુલ 10,97,400 ની ચોરી કરી કોઈ અજાણ્યો શખ્સ ફરાર થઇ ગયો છે. આથી તસ્કરો વિરુદ્ધ ડભોડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે,
Social