પાલજ બ્રિજ પરથી દેશી હાથ બનાવટની મશીન કટ પિસ્ટલ સાથે અમદાવાદનો શખ્સ ઝડપાયો

ગાંધીનગરના પાલજ બ્રિજ નજીકથી સ્પેશીયલ ઓપરેશન ગ્રુપની ટીમે પૂર્વ બાતમીના આધારે અમદાવાદના યુવકને દેશી હાથ બનાવટની મશીન કટ પિસ્ટલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
  ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને બાતમી મળેલ કે, એક ઇસમ પિસ્ટલ સાથે ચિલોડા ગામની સીમ અમદાવાદથી ચિલોડા તરફ આવતા પાલજ બ્રીજના સર્વિસ રોડ ઉપર સધી પાન પાર્લરથી આશરે 300 મીટર દુર ઉભો છે. જે હકીકતના આધારે પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. અને યુવકને ચારે તરફથી કોર્ડન કરી લીધો હતો. બાદમાં પોલીસે તેની અંગ ઝડતી કરતા તેના પેન્ટમાં કમરના ભાગેથી એક જુની હાથ બનાવટની પિસ્ટલ મળી આવી હતી. જેની પૂછતાંછ કરતાં તેણે પોતાનુ નામ મયંક લક્ષ્મણદાસ સમચંદાણી (ઉ.વ. 26, સમરથનગર, હાંસોલ, સરદારનગર એરપોર્ટ, સરદારનગર) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે પિસ્ટલની ઝિણવટથી તપાસ કરતા દેશી હાથ બનાવટની મશીન કટ લોખંડની મેગઝિન સાથેની પિસ્ટલ હતી. અને પિસ્ટલની ગ્રીપ ઉપર છીકણી કલરની પ્લાસ્ટીકની પટ્ટી સ્કુ સાથે ફીટ કરેલ હતી. આ અંગે પુછતાછ કરતા મયંકે ચુપકીદી સાધી લીધી હતી. જેનાં પગલે પોલીસે 10 હજારની કિંમતની પિસ્ટલ જપ્ત કરી આર્મ્સ એક્ટ હેઠળ મયંકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Social