S.S.C અને H.S.C ની પરીક્ષા બારણે ટકોરા દઈ રહી છે ત્યારે……

Dr. Manish Detroja
Psychological Counsellor
Principal
Neelkanth International School,
Sanand.

વ્હાલા બાળકો,
આત્મ-શ્રદ્ધા રાખો દરેક વ્યક્તિમાં દિવ્યતા-અનંત શક્તિ સુપ્તપણે રહેલી જ છે,
આ યાદ રાખવાથી અને વિધેયાત્મક વલણ કેળવવાથી આત્મ-શ્રદ્ધા જાગૃત થશે.

                                         વિદ્યાર્થીમિત્રો પરીક્ષા તમારા જીવનની નથી. આનાથી અઘરી પરીક્ષા બાકી છે  માટે પરીક્ષામાં જતા પહેલા ચાર બાબતો ધ્યાનમાં રાખી તેનુ આચરણ કરવું.
                                      પ્રથમ છે. મહેનત -  તમે પરીક્ષાની સખત મહેનત કરતા હશો પણ તેમા ધ્યાન રાખીશુ કે મહેનતનું યોગ્ય આયોજન ( ટાઇમ મેનેજમેન્ટ ) દરેક વિષયને યોગ્ય ન્યાય આપી તૈયારી કરવી દા.ત- માતા આપણા ઘરના દરેક કામ કેવી રીતે નિયમિત પૂર્ણ કરે છે. ટાઈમ મેનેજમેન્ટનું આ ઉત્તમ ઉદાહરણ છે. દરેક વિષયના પ્રકરણના ગુણભાર પ્રમાણે તૈયારી કરવી, વધારે ગુણનું પ્રકરણ તે પહેલા તૈયાર કરવું પછી ક્રમશઃ ગુણભાર પ્રમાણે તૈયારી કરવી માટેજ કહેવાયું છે કે 

મોતી માર્ગમાં નથી મળતા, મોતી મેળવવા મરજીવા બનવું પડે,
સફળતા મફતમાં નથી મળતી તેના માટે મહેનતું બનવું પડે છે.
બીજી બાબત છે.’આત્મવિશ્વાસ’ – પોતાની જાત પર શ્રદ્ધા રાખો આત્મવિશ્વાસ રાખો. પોતાના પર આત્મ વિશ્વાસ રાખવાથી મજબૂત અને દ્રઢ માનસિકતા બને છે. હું સક્ષમ છું તેવો વિશ્વાસ પોતાની જાત પ્રત્યે દાખવો.
ત્રીજી વાત મહાવરો – મિત્રો એક વખત વાંચન કરવાથી પ્રેક્ટિસ કરવાથી આવડી ન જાય (યાદ ન રહે) તેના માટે સતત મહાવરો કરવો પડે. દા.ત- કમ્પ્યુટરમાં કોઇ ફાઈલ ત્યારેજ સ્ટોર થાય જ્યારે તમે તે ફાઈલને સેવ કરો છો. તેવી જ રીતે જ્યાં સુધી આપણે મહાવરો ન કરીએ ત્યાં સુધી આપણા મગજમાં તે માહિતી સ્ટોર(સ્મરણ) થતી નથી. માટે યાદ રાખવા, યાદ રહી જાય તે ભુલાય નહીં માટે મહાવરો અત્યંત જરૂરી છે. બીજું ઉદાહરણ ભેંસ જેમ વાગોળે છે તેમ આપણા અભ્યાસને વાગોળવું પડે છે.
ચોથી બાબત છે. હકારાત્મક અભિગમ – તમે જે કઈ વિચારો તે હકારાત્મક જ વિચારો નકારાત્મક વિચારોને ત્યજી દો (પોઝીટીવ વિચારો) જેમ કે પરીક્ષાલક્ષી તૈયારી મેં કરી છે, તેમા મને બધું આવડે છે. હું પાસ થવા સક્ષમ છું. હું શ્રેષ્ઠ પરિણામ લાવીશ ઉપરોક્ત વિચારો તમારા વિશ્વાસને વધુ મજબૂત બનાવશે.
હવે પછીના ત્રણ મુદ્દાની હું વાત કરીશ તેને ત્યજી દેવાના છે. તેને તમારાથી દૂર કરવાના છે.
પ્રથમ છે ચિંતા- વિદ્યાર્થીમિત્રો ચિંતા એ ચિતા સમાન છે. પરીક્ષાની કોઇ પણ પ્રકારની ચિંતા કે ડર રાખવાની જરૂર નથી. જુઓ પરીક્ષાની ચિંતા થવી એ સ્વાભાવિક (સહજ) છે. પરંતુ આ ચિંતા વધારે (અતિશય) કરવાથી તે એક માનસિક વિકૃતિ તરફ દોરી જાય છે. વધુ પડતી ચિંતા થાય ત્યારે ઉપરના મુદ્દા ધ્યાને લેવા અને એના પ્રત્યે વિચારવું. પરીક્ષાના સમયે બિલકુલ ભોજન ન લેવું ફરિયાદ કરે કે મને ખાવા નથી ભાવતું, અન્યથા મન નથી કરતું. પૂરતી ઊંઘ ન લેવી અથવા મને ઊંઘ નથી આવતી, પેપર કેવુ હશે મને નહીં આવડે તો શું થશે, હું નાપાસ થઈશ તો, હું નિષ્ફળ થઈશ તો, આવા પ્રકારની ચિંતામાં વધારો થાય ત્યારે મિત્રો મેડિટેશન કરવું જમીન પર ચત્તા સૂઈ ઊંડા શ્વાસોશ્વાસ લેવા અને છોડવા. હળવું સંગીત સાંભળવું, ૐ કાર મંત્રનું ઉચ્ચારણ કરવું જરૂર પડે તો બોર્ડની હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો જેમાં કોઇ શરમ કે સંકોચ રાખવો નહીં.
વિદ્યાર્થીમિત્રો નિષ્ફળતા કે નાપાસ અથવા ચિંતાજનક વિચારો આવે તો તેમાંથી મુક્ત થવા હું તમારી સમક્ષ એક ઉદાહરણ રજૂ કરું છું. આ પ્રકારની પરિસ્થિતિમાં આ ઉદાહરણનું સ્મરણ કરવું. મિત્રો- એક માણસ 21 વર્ષે બિઝનેસમાં નિષ્ફળ ગયો પછી 22 વર્ષે સ્ટેટ એસેમ્બલી ચૂંટણીમાં ઉભો રહ્યો અને હાર્યો પછી તે 24 વર્ષે ઉછીના નાણા લઇ બિઝનેસ શરૂ કર્યો તેમા પણ નિષ્ફળતા મળી ઉધાર ચૂકવતા એણે 17 વર્ષ થયા. 26માં વર્ષે તેની પત્નીનું અવસાન થયું તે છ મહિના પથારીવશ રહ્યો. 34 મા વર્ષે સ્ટેટ એસેમ્બલી સ્પીકરની ચૂંટણીમાં હાર્યો. 47 વર્ષે ઉપપ્રમુખની ચૂંટણીમાં ઉભા રહ્યા અને 100 થી ઓછા મત મળ્યા. અને ત્યાર બાદ 52 વર્ષે અંતે અમેરીકાના પ્રેસિડન્ટ બન્યા. તેમનું નામ છે અબ્રાહમ લિંકન
વિદ્યાર્થીમિત્રો નિષ્ફળતા એજ સફળતાની ચાવી છે માટે કદાચ તમે ધીમા પડો પણ પ્રયત્ન છોડશો નહીં. પ્રયત્ન ચાલુ રાખો સફળતા મળશેજ. વિદ્યાર્થીમિત્રો જેમ કોઈ ઉત્સવ હોય તેમા કેવો અનેરો આનંદ હોય છે. બધા સાથે મળી ઉત્સવ ઉજવીયે છીએ. તેમ પરીક્ષા- એક ઉત્સવ છે. તેને ઉત્સવની જેમ ઉજવો કેમકે ઉત્સાહ, આનંદ સફળતા તરફ વધુ જલ્દી લઇ જાય છે.
 આ પ્રસંગે માતા-પિતા જોગ — માતા-પિતાએ નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
(૧) આપના સંતાનની શારિરિક અને માનસિક તંદુરસ્તી જળવાઈ રહે તેની કાળજી રાખવી જોઈએ. ઘણા માતા- પિતા આ ખાઈસ તો વધુ ઊંઘ આવશે કે તારી તબિયત બગડશે તેવા સૂચનો કરતા હોય છે. વિદ્યાર્થીઓને સાદો અને સમતોલ ખોરાક આપવો
(૨) તુંડે તુંડે મતિ ભિન્નતા — વ્યક્તિ- વ્યક્તિએ બુદ્ધિમાં તફાવત છે. દરેક બાળક અનોખું છે. આપના સંતાનની જે સક્ષમતા છે. તેવું પરિણામ મળતુ હોય છે. માટે તેનું જે પરિણામ આવે તેનો સ્વીકાર કરીશું એવો વિશ્વાસ આપવો જરૂરી છે. બીજા બાળકો સાથે સરખામણી ન કરો મોટા ભાઈ- બહેન કે પડોશીઓ અને મિત્રોના બાળકોના આટલા ટકા આવ્યા હતા, તારા તેનાથી પાંચ- દસ ટકા વધારે જ આવવા જોઈએ. આ પ્રકારનું પ્રેસર તેના પરિણામ પર અસર ઉપજાવે છે.
(૩) પરીક્ષા સમયે બાળકોને આવેગાત્મક ટેકા ની જરૂર હોય છે. સમજું માતા- પિતા આવા સમયે ખોટી ચિંતા કે હતાશા જન્માવવાને બદલે તેને આવેગાત્મક રીતે મદદરૂપ થાય છે. પરીક્ષા સમયે માતા- પિતાએ હકારાત્મક વલણો રાખવા જરૂરી છે.
ચાલો તો આપણે એક માતા-પિતા તરીકે સંકલ્પ કરીએ અને બાળકને કહીએ કે
૧૦-૧૨ માં તારા જે પણ ટકા આવશે તેનો અને તારો સ્વીકાર કરીશું. તારા રસ અને રુચી પ્રમાણે તને પસંદગીની લાઇનમાં જવા દઈશું સમાજને માટે ઉપયોગી નિવડશે. તમારું પોઝીટીવ વલણ તમારા સંતાનો, તમારા માટે અને સમાજ માટે ઉપયોગી નીવડશે.

અંતમાં વિદ્યાર્થીમિત્રો
મંજીલે ઉનહી કો મિલતી હે,
જીનકે સપનો મે જાન હોતી હે,
સિર્ફ પંખો સે કામ નહીં ચલતા મેરે દોસ્તો,
હૌસલો સે હી ઉડાન હોતી હે.

Social