સમાજમાં સ્ત્રી પુરુષ સમાનતાની વાસ્તવિક સ્થિતિ અને બદલાવની દિશામાં પુરુષોની ભૂમિકા

સમાન્ય રીતે એવું કહેવાતું હોય છે કે સ્ત્રી અને પુરુષ એ બંને સમાજરૂપી રથના બે પૈડા સમાન છે. રથને જો યોગ્ય રીતે ચલાવવો હોય તો તેના બંને પૈડા યોગ્ય સ્થિતિમાં હોવા જરૂરી છે. એક પૈડું એકદમ બરાબર હોય અને એક પૈડામાં પંચર કે હવા ઓછી હોય તો રથ યોગ્ય રીતે ચાલી શકતો નથી. તેવી જ રીતે સમાજરૂપી રથને જો યોગ્ય રીતે ચલાવવો હોય તો સ્ત્રી પુરુષ સમાનતા હોવી ખુબ જ જરૂરી છે. આપણા દેશનું બંધારણ પણ સ્ત્રી પુરુષ વચ્ચે ભેદભાવ મુકત વાતાવરણ અને સમાનતાની તરફદારી કરે છે ત્યારે, આજે ૮ માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં હાલની સ્થિતિએ આપણા સમાજમાં સ્ત્રી પુરુષ સમાનતા અંગે વાસ્તવિક પરિસ્થિતિ શું છે તે સમજવાનો પ્રયાસ કરીએ.

                                                                               કુદરતે સ્ત્રી અને પુરુષમાં શારીરિક ભેદ રાખ્યો. જેને આપણે એમ કહી શકીએ કે કુદરતી રીતે સ્ત્રી અને પુરુષના શારીરિક લિંગ અલગ અલગ છે. આ સિવાય કુદરતે સ્ત્રી પુરુષમાં અન્ય કોઈ ભેદ રાખ્યો નથી. બાળકનો જન્મ થાય એટલે તેના લિંગ પરથી ખ્યાલ આવે કે બાળક દીકરો છે કે દીકરી. આ જ સ્ત્રી અને પુરુષ વચ્ચેનો કુદરતી ભેદ. પરંતુ ત્યારબાદ સમાજ દ્વારા સ્ત્રી અને પુરુષ માટે જે રીતિરીવાજો, પરંપરા અને નિયમો અલગ અલગ બનવવામાં આવ્યા જેને આપણે સ્ત્રી-પુરુષમાં રહેલ સામાજિક ભેદ અને ભેદભાવ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે સમજીએ તો, જો બાળક દીકરી હોય તો દવાખાનામાં તેની ગુલાબી રંગની ફાઈલ અને દીકરો હોય તો વાદળી રંગની. દીકરી હોય તો જલેબી અને દીકરો હોય તો પેંડા. દીકરી માટે રમકડામાં રસોડા સેટ અને ઢીંગલી, તો દીકરા માટે ટ્રક અને બંધુક. દીકરીના વાળ વધારવાના, નાક-કાન વિંધાવવાના અને તેને ચોક્કસ પ્રકારના આભૂષણો અને પોષક પહેરાવવાનો. તેવી જ રીતે દીકરાના ઉછેર માટે પણ અલગ નિયમો અને રીતી રીવાજો. જેમ કે દીકરો થોડો મોટો થાય એટલે તે ઘરની બહાર જઈ શકે અને મિત્રો સાથે છૂટથી હરિફરી શકે જયારે દીકરીએ ઘરકામ શીખવાનું અને તેમાં મદદ કરવાની. જન્મની સાથે જ દવાખાનામાંથી શરૂ કરીને પરિવાર, આડોસ-પાડોસ, સગા-સંબંધી અને બજાર એમ બધી જ જગ્યાએ છોકરો છે તે આમ હોય અને છોકરી છે તો આમ કરોની સલાહ, સુચન, રીવાજ અને નિયમો...! કે જે આગળ જતા સ્ત્રી અને પુરુષના જીવનમાં અવરોધ રૂપે સાબિત થતા હોય છે.

                                                                                  બાળકનો દીકરા તરીકે જન્મ થતા જ આપણે ત્યાં સામાજિક રીતે તેને ચોક્કસ પ્રકારની સત્તા અને જવાબદારી સોંપી દેવામાં આવતી હોય છે. જેમ કે દીકરા તો બહાદુર હોય તેમનાથી રડાય નહિ. ઘરના કામ છોકરાઓથી ન થાય તે તો દીકરીઓ એ જ કરવાના. ઉદાહરણ તરીકે બહેનની ઉંમર ૧૨ વર્ષની હોય અને ભાઈની ઉંમર ૧૦ વર્ષની  હોય; એટલે કે બહેન કરતા ભાઈ નાનો હોવા છતાં સમાજની માન્યતા અનુસાર તે પુરુષ હોવાને કારણે બહેનની રક્ષા કરવા સક્ષમ છે અને માટે બહેનને સાંજ પછીના સમયે ઘરની બહાર કોઈ કામથી જવું હોય તો તેની રક્ષા કરવા માટે તેના કરતા નાની ઉંમરના ભાઈને સાથે મોકલવાનો. તેવી જ રીતે દીકરો થોડો મોટો થાય એટલે તેના માથે મહદઅંશે ઘરની આર્થિક જવાબદારીનો બોજ તેને સોંપી દેવામાં આવે અને દીકરી મોટી થાય એટલે તેને રસોઈથી માંડીને તમામ પ્રકારના ઘરકામની જવાબદારી સોંપવામાં આવે. અહિયાં દીકરા દીકરીને જવાબદારી ન સોપવી જોઈએ તેવું અર્થઘટન ન કરતા તેમને પરંપરાગત રીતે તેમના લિંગને આધારે જવાબદારી ન સોંપતા તેમના શોખ, આવડત અને રૂચીને ધ્યાનમાં રાખીને જવાબદારી સોપવામાં આવે તે ખુબ જ જરૂરી છે. પરંતુ તે બહુ જ જુજ કિસ્સાઓમાં જ જોવા મળતું હોય છે.

                                                                                           સામાજિક નિયમો અને પરંપરા અનુસાર કાર્યોની વહેંચણીમાં સ્ત્રીઓના ભાગે ઘરના તમામ કાર્યો ઉપરાંત બાળ ઉછેર અને વડીલોની સારસંભાળની જવાબદારી આવે છે. જયારે આર્થિક ઉપાર્જન અને સામજિક પ્રસંગોમાં હાજરીને લગતી જવાબદારી પુરુષના ભાગે આવે છે. બદલાયેલ સ્થિતિ મુજબ સ્ત્રીઓ પણ હવે ઘણા કિસ્સાઓમાં આર્થિક ઉપાર્જનની જવાબદારી નિભાવતી થઇ છે. પરંતુ આ સ્થિતિમાં તેમને તેમની પરંપરાગત જવાબદારીઓમાંથી તો મુક્તિ નથી જ મળી. મહિલાઓ તેમની પરંપરાગત જવાબદારીઓને નિભાવવાની સાથેસાથે આર્થિક ઉપાર્જન કરતી થઇ છે ત્યારે પુરુષો પણ ઘરકામ, બાળ ઉછેર અને વડીલોની સારસંભાળ લેવાના કાર્યો કરવામાં નાનપ ન અનુભવે અને આ પ્રકારના કાર્યોને પોતાની જવાબદારી સમજી સ્ત્રીઓને મદદરૂપ થાય ત્યારે સમાજ જાતિગત સમાનતાની દિશામાં પ્રગતિ કરી રહ્યો છે તેમ કહી શકાય.   

                                                                              સમાજે સ્ત્રી પુરુષ માટે જન્મથી સાથે જ બનાવેલ નિયમો, રૂઢિઓ અને રીતિ રીવાજો મૃત્યુ સુધી તેનો પીછો છોડતા નથી. કેટલાક રૂઢિગત નિયમો અને પરંપરાઓ સ્ત્રી અને પુરુષ બંને માટે તકલીફ કારક સાબિત જતા હોય છે. પરંતુ આપણે ત્યાં પુરુષ પ્રધાનસમાજ વ્યવસ્થાને કારણે આ નિયમો, રૂઢિઓ અને રીતિ રીવાજો સ્ત્રીઓ માટે વધુ મુશ્કેલી ભર્યા અને ભેદભાવયુક્ત સાબિત થાય છે. આપણા સમાજમાં સ્ત્રીએ જન્મથી લઈને મૃત્યુ સુધી તે કુંવારિકા, પરણિત કે વિધવા છે તે અંગેનો તેના વૈહવાહિત દરજ્જો તેના પોષક, આભૂષણો અને શૃંગાર દ્વારા જાહેર કરવો પડતો હોય છે. જયારે પુરુષો માટે આવો કોઈ જ નિયમ સમાજે બનાવ્યો નથી. એટલે કે પુરૂષોને તેમના પહેરવેશ પરથી પારખી શકાતા નથી કે તે કુંવારાં, પરણિત કે વિધુર છે...!

                                                                              અહિયાં એવું કહેવાનો અર્થ જરા પણ નથી કે સમાજે પુરુષો માટે પણ આવા નિયમો બનાવવા જોઈએ. પરંતુ સમાજે મહિલાઓ માટે જે નિયમો બનાવ્યા છે તે પુરુષોની સરખામણીએ વધુ તકલીફકારક અને તેમના સર્વાંગી વિકાસમાં અવરોધરૂપ સાબિત થાય તેવા બનાવ્યા છે. જરૂરી નથી કે સમાજ દ્વારા મહિલાઓ માટે બનાવવામાં આવેલ તમામ નિયમો અયોગ્ય છે. પરંતુ આપણે એ સમજવાની જરૂર છે કે સમાજના જે નિયમો સ્ત્રી અને પુરૂષને તેમના વિકાસમાં અવરોધરૂપ સાબિત થાય છે અને તેમાં પણ ખાસ કરીને પુરુષપ્રધાન સમાજ વ્યવસ્થા હોવાને કારણે માત્ર સ્ત્રીઓ માટે બનવવામાં આવેલ નિયમો કે જે સ્ત્રીઓના આત્મ સંન્માનને ઠેસ પહોંચાડતા હોય અને તેમને મનુષ્ય હોવાના માનવ અધિકારો મેળવવામાં અવરોધરૂપ બનતા હોય તેવા તમામ નિયમો, રૂઢિઓ અને રીતિ રિવાજોમાં સામાજિક બદલાવ ચોક્કસ થવો તે આ સમયની માંગે છે.

                                                                                આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની વિષય વસ્તુ (થીમ) પણ “મહિલાઓમાં રોકાણ કરો: પ્રગતિને વેગ આપો” (Invest in Women: Accelerate Progress) રાખવામાં આવી છે. ત્યારે આપણા સમાજમાં સ્ત્રી પુરુષ સમાનતા લાવવા માટે ખાસ કરીને આપણે પુરુષો ૮મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરીએ અને તેને માત્ર એક દિવસ પુરતી સીમિત ન રાખતા આપણા ઘર પરિવારના તમામ મહિલા સભ્યોને સન્માન પૂર્વક તેઓ પણ માણસ છે તેમ સ્વીકારીએ. તેમને મળવા પાત્ર તમામ અધિકારો મળી રહે, તે ઈચ્છે તેમ પોતાનું જીવન જીવી શકે અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટેનું યોગ્ય વાતાવરણ ઉભું કરીએ. સાથે સાથે પારિવારિક મિલકતમાં અને ઘરના તમામ અગત્યના નિર્ણયોમાં તેમની સમાન હિસ્સેદારીને સુનિશ્ચિત કરીએ.

                                                           અહીં સ્ત્રી પુરુષ વચ્ચે કોણ આગળ અને કોણ ચડિયાતું કે કોઈ સંઘર્ષ, ઘર્ષણ કે સ્પર્ધા કરવાની વાત જ નથી. સ્ત્રી અને પુરુષ બંનેએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એકબીજાના પૂરક બનીને જ રહેવું પડે કારણ કે તે કુદરતી વ્યવસ્થાનો ભાગ છે. આ વાસ્તવિકતાને સ્વીકારી આપણે સૌ સ્ત્રી પુરુષ સમાનતાની દિશામાં સત્વરે પગરવ માંડીએ. સૌને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ...!

                                                                      અંતમાં, “હું સ્ત્રીઓના હક્કોની બાબતમાં હઠધર્મી છું. મારા અભિપ્રાયમાં તેણીને એવી કોઈ પણ કાનૂની અયોગ્યતા ન અવરોધે જે પુરૂષોને ન નડતી હોય. સંપૂર્ણ સમાનતાના આધારે જ મારે દીકરાઓ અને દીકરીઓ સાથે વ્યવહાર કરવો જોઈએ. એક દીકરીનો ભાગ એક દીકરાના ભાગ જેટલો જ સમાન હોવો જોઈએ.” – મહાત્મા ગાંધી
Social