દહેગામના હિલોલમાં નજીવી બાબતે એક યુવાને શખ્સ પર કર્યો હુમલો

દહેગામ તાલુકાના હિલોલ શિયાતળાવડી વિસ્તાર ખાતે રહેતા એક શખ્સ પર તેની જ કંપનીમાં કામ કરતાં યુવાને નજીવી બાબતે માર મારી દરવાજાના લોખંડની ફ્રેમથી હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર ઘટના અંગે આરોપી સામે દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

    દહેગામ તાલુકાના હિલોલ શિયા તળાવડી વિસ્તાર ખાતે રહેતા મહાવીર સિંહ વિરેન્દ્રસિંહ ઠાકોરે તેમના મિત્ર શૈલેષભાઈ સાથે ઝાંક ખાતે આવેલ કોલેશ્વરી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નોકરી અર્થે ગયા હતા તે દરમિયાન તેમની કંપનીમાં કામ કરતો કરણ ગોહિલ તેમની પાસે આવેલ અને ખોટી રીતે ખીજાવતો હતો તે વખતે ફરીયાદીએ ખીજવાની ના પાડતાં આ કરણ ગોહિલ એકદમ તેમના પર ઉશ્કેરાઈ ગયો હતો અને જેમ મન ફાવે તેમ ગાળો બોલી માર મારવા લાગ્યો હતો ફરિયાદીનો મિત્ર શૈલેષ છોડાવવા વચ્ચે પડતા આ કરણ ગોહિલ કંપનીમાં પડેલ દરવાજાના લોખંડની ફ્રેમ લઈ આવેલ અને હુમલો કરી દીધો હતો. ઘટનાની જાણ થતા કંપનીના માણસો આવી પહોંચ્યા હતા અને ફરિયાદીને વધુ મારમાંથી છોડાવ્યા હતા. બાદમાં ઇજાગ્રસ્ત ફરિયાદીને નરોડા પ્રાઇમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર કરાવ્યા બાદ મહાવીરસિંહ વિરેન્દ્રસિંહ ઠાકોરે દેહગામ પોલીસ મથકમાં કરણ ગોહિલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
Social