પરીક્ષા કેન્દ્રોનો ”ડિજિટલ રોડ મેપ” વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી સરળતાથી પહોચાડશે
ગુજરાત માધ્યમિક -ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત માર્ચ 2024 ધોરણ-10 અને 12ની પરીક્ષા અંતર્ગત અમદાવાદ ગ્રામ્યના તમામ
વિદ્યાર્થીઓ અને વાલીઓ સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય વિસ્તારની શિક્ષણ અધિકારી કચેરી દ્વારા કુલ 262 પરીક્ષા કેન્દ્રોના ડિજિટલ રોડ મેપની લિંક્સની એક કોમન PDF બનાવીને તમામ શાળાઓ સુધી પહોંચાડવામાં આવી છે. જિલ્લાનાં તમામ 9 તાલુકાઓના તમામ પરીક્ષા કેન્દ્રોના ગૂગલ લોકેશનની લિંક સહિત પરીક્ષા કેન્દ્ર નંબર, બિલ્ડિંગ નંબર, પરીક્ષા સ્થળનું નામ, સ્થળ સંચાલકનું નામ અને તેમના મોબાઈલ નંબર પણ આ PDF માં પરીક્ષા કેન્દ્ર અનુસાર દર્શાવવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ ગ્રામ્યની કચેરી દ્વારા તમામ શાળાઓને તેમના વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી આ PDF પહોંચાડવા માટે સૂચના પણ આપવામાં આવી છે.
અમદાવાદ ગ્રામ્યના બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે એક ‘કંપ્લિટ એક્ઝામ લોકેશન ગાઈડ’ રજૂ કરીને જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ ગ્રામ્યની કચેરી દ્વારા એક પ્રસંશનીય અને ઉપયોગી પહેલ હાથ ધરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ખૂબ જ મદદરૂપ થશે. ભૂતકાળમાં કેટલાક રિમોટ લોકેશન પર વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર પહોંચવામાં મુશ્કેલીઓ અનુભવાઈ હોવાના કિસ્સાઓ બનતા હતા, આ નવીન પહેલ થકી હવે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર શોધવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
મિશન સિદ્ધત્વ અંતર્ગત ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓ માટે ‘અમૂલ્ય એક કલાક તજજ્ઞની ટિપ્સ સાથે’ શીર્ષક હેઠળ જે તે પ્રશ્નપત્રના આગલા દિવસે સરળ રીતે રિવિઝન થાય તે માટે ખાસ વિડિયો તૈયાર કરવામાં આવ્યા છે.
આ વિડિયોની લિંક જે તે વિષયના પેપરના અગાઉના દિવસે વિદ્યાર્થીઓને મોકલવામાં આવશે, વિદ્યાર્થીઓ આ લિંક પર ક્લિક કરીને પરીક્ષાના આગલા દિવસે જે તે વિષયના નિષ્ણાત શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવી શકશે. ખાસ કરીને એવરેજ વિદ્યાર્થીઓને આ સુવિધાથી સીધો લાભ પ્રાપ્ત થશે. પેપરના અગાઉના દિવસનું રિવિઝન વિદ્યાર્થીઓ માટે ઘણું મહત્ત્વ ધરાવે છે. દૃશ્ય-શ્રાવ્ય માધ્યમના સુચારું ઉપયોગ દ્વારા વિષય નિષ્ણાત શિક્ષકો પોતાના બહોળા અનુભવના આધારે વિદ્યાર્થીઓને ટૂંકા સમયમાં વધુ પુનરાવર્તન સહિત વિષય અંગે ધ્યાનમાં રાખવાની મહત્ત્વની બાબતો અને પેપર લખવામાં ઉપયોગી ટિપ્સ સહિતની માહિતી વિદ્યાર્થીઓને પૂરી પાડશે, જે વિદ્યાર્થીઓને ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.
