ગાંધીનગરના ફિરોજપુરમાં દંપતીને બંધક બનાવી 15.52 લાખની લૂંટ કરનાર 2 ઈસમોની મુદ્દામાલ સાથે ધરપકડ

ગાંધીનગરના ફિરોજપુરમાં 2 દિવસ પહેલા રાત્રીના લુટારુ ગેંગ ત્રાટકી હતી. ગેંગ ખેતરના રસ્તેથી ઘરમાં આવી હતી અને આધેડનુ ગળુ દબાવી દીધુ હતુ અને બાદમાં તેની પત્ની સાથે બંનેને માર મારી ઘરના રસોડામાં બંધક બનાવી દીધા હતા. ત્યારબાદ ઘરમાં રહેલી તિજોરી તોડી અંદર રહેલી રોકડ અને દાગીના સહિત 15.52 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવને લઇ ગામમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. જ્યારે ડભોડા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આજે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દંપતીને બંધક બનાવી લૂંટ ચલાવી સોના ચાંદીના દાગીના, રોકડ રૂપિયા તથા દરવાજો લોક તોડવામાં ઉપયોગમાં લીધેલ લોખંડનો સળીયો તથા અન્ય મુદ્દા માલ મળી કુલ  રૂ.2,75,350 ના મુદ્દામાલ સાથે બે આરોપીને દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.
   દાહોદ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી હકીકત મળેલ કે નસીરપુર ગામે દરગાહની સામે રસ્તા ઉપર બે ઈસમો શંકાસ્પદ મુદ્દામાલ સાથે ઉભેલા છે, જે હકીકત આધારે બે ઈસમો પાસે જતા તેઓ પોલીસને જોઈને ભાગવા  લાગ્યા. તેમનો પીછો કરી બંનેને નામ પૂછતાં વિનોદભાઈ લાલાભાઇ વેસ્તાભાઈ ભાભોર માતવા મકોડીયા ફળિયુ ગરબાડા તાલુકો, જીલ્લો દાહોદના તથા જેસંગભાઈ ઉર્ફે મુકેશભાઈ નાગજીભાઈ ભાભોર રહે-છરછોડા વેડ ફળિયુ, તાલુકો ગરબાડા, જિલ્લો દાહોદનું હોવાનું જણાવેલ. તેમજ આરોપીઓની  બેગમાં તપાસ કરતા બેગમાંથી સોનાની વીંટી, સોનાની ચેન નંગ બે, ચાંદીના છડા જોડા-1,  ચાંદીની લકી નંગ-10, પીળી ધાતુની રુદ્રાક્ષની ઇમિટેશન ચેન નંગ-1, લોખંડનો સળીયો, બેગ નંગ-1, મોબાઈલ નંગ-1, તથા 1350 ની કિંમતનું ચાર્જર-1, બંને આરોપીઓ પાસેથી 22,500 રોકડા મળી આવ્યા તેમજ આમ કુલ 2,75,350 નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
Social