લાલબત્તી સમાન કિસ્સો : સોશિયલ મીડિયાની લતને કારણે યુવતીએ આપઘાત કર્યો : ઘરમાં ગળેફાંસો ખાધો

 દરેક વ્યક્તિ પર જાણે મોબાઈલ હાવી થઈ ગયો છે, મોટાભાગના વ્યક્તિઓ તેના આદી થઈ ગયા છે, મોબાઇલમાં સતત સોશિયલ મીડિયા પર પોતાનો સમય વીતાવતા લોકો માટે ગઈકાલે એક ચેતવણી રૂપ મામલો સામે આવ્યો છે. પરિવારના સભ્યોનું માનીએ તો સોશિયલ મીડિયાના ઉપયોગના કારણે એક યુવતીએ આપઘાત કરી લીધો છે. 20 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવ્યા બાદ અને આપઘાતનું કારણ જાણ્યા બાદ તમામ લોકો હચમચી ગયા છે. આપઘાતનું કારણ એવું સામે આવ્યું છે કે યુવતી સતત મોબાઈલ પર જ રહેતી હતી અને સોશિયલ મીડિયાનું વળગણ લાગ્યું હતું, જેના કારણે તે ડિપ્રેશનનો પણ શિકાર બની હતી.
   આ ઘટના છે સુરતની આ યુવતીને સોશિયલ મીડિયાની એવી લત લાગી હતી કે તે સતત તેના પર રચીપચી રહેતી હતી. જેના કારણે 2 મહિનાથી તેણીની માનસિક રોગની દવા પણ ચાલતી હતી પરંતુ, આ સોશિયલ મીડિયાનું વળગણ તેના પર એટલી હદ સુધી હાવી થઈ ગયું કે, તેને ગૂગલ મરી જા કહે છે એવો ભ્રમ બંધાતા પોતાનું જીવન ટૂંકાવ્યું. હાલ આ મામલે સુરત પોલીસે આપઘાત અંગે આકસ્મિક મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
     આ મામલો સુરતના ગોપીપુરા વિસ્તારના મોટી છીપવાડમાં રહેતા પરિવારમાં સામે આવ્યો છે. પરિવારમાં રહેતી 20 વર્ષીય વિશાખા રાણાએ ઘરે ગળાફાંસો ખાઈ લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૃતક વિશાખા ધોરણ-10માં અભ્યાસ કરતી હતી અને તેની માતા સાથે દોરાના બોબીન બનાવવાના કારખાનામાં નોકરી કરતી હતી. માતા અને પુત્રી કારખાનાથી ઘરે પરત આવ્યા બાદ વિશાખાએ રૂમમાં જઈ ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતા પરિવારજનોએ યુવતીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવતા તબીબે મૃત જાહેર કરી હતી.
   યુવતીના ભાઈએ આપઘાતના કારણ અંગેની સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેની બહેન ગૂગલ પર સતત ફેસ એક્સરસાઈઝ કર્યા રાખતી હતી, તેના કારણે જ સતત તેના મગજમાં ગૂગલના અવાજ ઘૂમ્યા રાખતા હતા. ગૂગલ કહે છે તને દેખાય છે, ગૂગલ કહે છે ખાવાનું ન ખાતી, ગૂગલ કહે છે મરી જા આવા અવાજ તેને સતત સંભળાયા રાખતા હતા. આ ફેસ એક્સરસાઈઝના કારણે યુવતીનું ફેસ એકદમ બદલાઈ ગયું હતું. તેની પરિવારજનોને જાણ થતા તુરંત જ ડોક્ટર પાસે લઈ ગયા હતા. 15-20 દિવસ દવા પણ કરી હતી જે બાદ ડોક્ટરે પરિવારજનોને યુવતીને માનસિક ડોક્ટર પાસે લઈ જવાની સલાહ આપવામાં આવી. બે મહિનાથી વધુ સમયથી માનસિક ડોક્ટરની દવા ચાલતી હતી. ડોક્ટરે કહ્યું હતું કે, મોબાઈલ વધુ જોવે છે એટલે તેની અસર છે પરંતુ, દવા ચાલુ રાખશો એટલે સમય જતા સારું થઈ જશે. ડોક્ટરની સલાહ બાદ એક મહિનાથી પરિવારે યવતીને મોબાઈલ જોવાનું પણ બંધ કરાવી દીધું છે.
       આપઘાત બાદ એવી ચોકાવનારી વિગતો સામે આવી છે કે માન્યામાં ન આવે. મૃતક વિશાખા પહેલા પોતાના રોજિંદા દૈનિક કામકાજમાં પણ મોબાઈલનો ઉપયોગ કરતી હતી. જેને લઇ તેના મગજ પર મોબાઈલ અને સોશિયલ મીડિયા ખૂબ જ હાવી થઈ ગયું હતું. પરિવાર જયારે દર્શન કરવા માટે મંદિરમાં લઈ જતો તો પણ ત્યાં પણ તેને મોબાઈલ દેખાતો હોવાનું કહ્યા કરતી હતી. આ મામલે અઠવા પોલીસ દ્વારા યુવતીના મૃતદેને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ત્યાર બાદ પોલીસે બનાવ અંગે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Social