સાણંદના નિધરાડ ફાટક પાસે અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું ઘટના સ્થળે મોત
કડી રોડ પર આવેલ નિધરાડ ફાટક પાસે આવેલ મોર્ડન ટેરીટોવેલ્સ કંપની પાસે રાત્રે રોડ પર ચાલતા જતા રાહદારીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા રાહદારીનું ઘટના સ્થળે કરૂણ મોત થયું હતું. જયારે વાહન ચાલક ફરાર થતા બનાવને લઈને સાણંદ પોલીસે ગુનો નોંધ્યો છે.
સાણંદના નિધરાડ ગામ પાસે આવેલ રેલવે ફાટક પાસે આવેલ મોર્ડન ટેરીટોવેલ્સ કંપની પાસે રોડ ઉપર ચાલતા રાહદારી અજાણ્યા માણસ (ઉ.આશરે 45)ને રાત્રે કોઇ અજાણ્યા વાહન ચાલકે તેનુ વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રોડ પર ચાલતા જતા રાહદારીને ટક્કર મારતા તેને શરીરે ગંભીર ઇજા થઇ હતી. બીજી તરફ અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક વાહન લઈને કડી તરફ ફરાર થયો હતો. અકસ્માત થતા આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા 108 ટિમ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ઈજાગ્રસ્ત અજાણ્યા ઈસમનું સ્થળ ઉપર મોત થયું હતું. બનાવ અંગે સાણંદ પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને મૃતકની લાશને પીએમ માટે સાણંદ સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી.
આ અંગે શૈલેષભાઈ ચીનુભાઈ પારેખએ સાણંદ પોલીસમાં અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
