સાણંદના ગેપપરા જવાના માર્ગ પર ગંદા પાણીનો ભરાવો, નિકાલ કરવા ચીફ ઓફિસરને આવેદન પાઠવ્યું

સાણંદ પોલીસ સ્ટેશનની બાજુમા આવેલ બાપા સીતારામ કોમ્પલેક્ષ-2ની સામે જુની મામલતદાર કચેરીના ઢાળમા ગેપપરા જવાના જાહેર રસ્તા ઉપર ઘણા સમયથી ગંદા પાણીનો ભરાવો થતાં એડવોકેટ બિપીનચંદ્ર અલગોતર સહિત આજુબાજુના રહીશોએ સાણંદ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં આવેદન આપ્યું હતું. જેમાં રજૂઆત કરી હતી કે, ગઢીયા તળાવમા વરસાદી તથા ગંદા પાણીના નિકાલ ગરનાળુ મુકવામાં આવેલ છે પરંતુ ગંદા પાણીના નિકાલની યોગ્ય સાફ સફાઈ, નિકાલ કરવાની વ્યવસ્થા ન કરાતા ગઢીયા તળાવનું ગંદુ પાણી જાહેર રોડ ઉપર ભરાવો થયો છે. તેના કારણે લોકોને ગંદા પાણીમાંથી અવર જવર કરવી પડે છે. આ વિસ્તારનો મુખ્ય રસ્તો હોવાથી ગંદુ પાણી ભરાવાના કારણે અહિયાંથી પસાર થતાં રહીશોને ભારે હાલાકી પડી રહી છે. રોડ પર ગંદુ પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરના ઉપદ્રવ તથા રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વળી હાલમા ચોમાસુ ન હોવા છતા રોડ પર ગટરનું પાણી ભરાઈ રહેતા ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે તાકીદે આ રોડ પરથી ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માંગ કરી હતી.

Social