આવતીકાલે સાણંદમાં “વિશ્વ ચકલી દિવસ”ની સાધના ફાઉન્ડેશન દ્વારા ઉજવણી. વિનામૂલ્યે ચકલીના માળા અને પક્ષીઓને પાણી પીવાના કુંડનું વિતરણ કરવામાં આવશે.

સાણંદ અને તેની આસપાસના વિસ્તારમાં પર્યાવરણના સંવર્ધન અને સંરક્ષણ માટે કાર્યરત સેવાભાવી સંસ્થા સાધના ફાઉન્ડેશન દ્વારા ૨૦ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવશે. સાધના ફાઉન્ડેશનના નવયુવાનો દ્વારા ૨૦ માર્ચને બુધવારના રોજ સાણંદ બસ સ્ટેશન વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સવારે ૯ કલાકે ચકલીના માળા અને પક્ષીઓને પાણી પીવાના કુંડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ કાર્યમાં સૌને સહભાગી થવા સંસ્થા દ્વારા નમ્ર અપીલ કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા છેલ્લા ૧૪ વર્ષોમાં સાણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં ૨૫,૦૦૦ થી વધુ ચકલી ઘર-માળા તથા ૪૦,૦૦૦ થી વધુ પક્ષીઓને પાણી પીવાના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે.

વિશ્વ ચકલી દિવસનું ઉજવણીની જરૂરીયાત સંદર્ભે સંસ્થાના પ્રતિનિધિએ જણાવેલ કે આજથી ૧૫- ૨૦ વર્ષ પહેલા આપણા ઘરના આંગણામાં કે ફળિયામાં ચકલીઓનો ચી-ચી અવાજ સાંભળવા મળતો અને બાળકો તેની આસપાસ રમતા જોવા મળતા. આ ચકલીઓ તેમના માળા મોટા ભાગે આપણા ઘરના કોઈ ગોખલા કે માળિયામાં બનાવી તેમાં ઈંડા મુકતી અને બચ્ચાને જન્મ આપતી. જાણે તે આપણા ઘરનો એક અભિન્ન હિસ્સો જ હતી. ઘણા વર્ષોથી આ જ રીતે ચકલીઓ અને માનવ પ્રજાતિ વચ્ચે સહઅસ્તિત્વનો સંબંધ સ્થાપિત થયેલ. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બદલાયેલ માનવ જીવનશૈલી, બાંધકામની પદ્ધતિઓ, ખેતીમાં વધી રહેલ રસાયણિક ખાતરનો વપરાશ, વધી રહેલ વાયુ અને અવાજ પ્રદુષણનું પ્રમાણ તથા ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો વધી રહેલ વપરાશના કારણે ચકલીઓ માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બન્યું છે. આજે કોન્ક્રીટના જગલમાં ચકલીઓ માટે માળો બાંધવા તથા ઈંડા મુકવા માટે યોગ્ય વાતાવરણ અને જગ્યા મળવી ખુબ જ મુશ્કેલ જણાય છે. જેના પરિણામ સ્વરૂપે દિવસે ને દિવસે “ઘર ચકલીઓની” સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળેલ છે.

વાત જયારે માનવના અન્ય સજીવો સાથેના સહઅસ્તિત્વની આવે ત્યારે સામાન્ય માણસો પણ ઘર ચકલી બચાવવામાં ઘણું યોગદાન આપી શકે છે. આપણા ઘરમાં બિલાડી કે કુતરા ન પહોંચે તેવી જગ્યા પર પુંઠાના, માટીના કે લાકડાના ચકલીના માળા લગાવી શકાય. ચકલીઓ આ પ્રકારના માળામાં પોતાનો માળો બનાવી તેમાં ઈંડા મુકે છે. તેમના ખોરાક – પાણીની વ્યવસ્થા માટે ઘરની પાળી, અગાસી, બાલ્કની કે ફળિયામાં પાણીનું કુંડુ અને થોડો ખોરાક જેમકે બાજરી, ચોખાની કણકી, રોટલી- ભાખરીના ટુકડા વગેરે મૂકી શકાય.

આજકાલ પક્ષીઓને સેવ, ગાંઠિયા કે પાપડી ખવડાવાનું ચલણ ખુબ જ પ્રચલિત થયું છે જે તદ્દન અયોગ્ય છે અને આ પ્રકારના ખોરાક પક્ષીઓના સ્વાસ્થ્ય માટે હાનીકારક હોવાથી તેમને તેમના કુદરતી ખોરાક જ આપવા જોઈએ. ઘરની આસપાસ દેશી અને ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. બાળકોને નાનપણથી જ કુદરત પ્રત્યે લગાવ થાય તેવા વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ જેથી આવનારી પેઢી ચકલીઓ અને અન્ય લુપ્ત થતી પ્રજાતિને માત્ર ફોટામાં જ નહિ પરંતુ પોતાની નજર સમક્ષ જાણી શકે ને માણી શકે.

Social