૧૭ વર્ષથી ક્રાંતિવીરોની વંદના એટલે “વિરાંજલી “: સાણંદ શહીદદિને શૌર્ય ગાથાથી પ્રજ્વલિત બનશે
૨૩ માર્ચ શહીદદિન નિમિત્તે ૧૫૦૦૦ થી વધુ લોકો ક્રાંતિવીરોને અંજલિ અર્પણ કરશે
વર્ષ ૨૦૦૭ એટલે કે છેલ્લા ૧૭-૧૭ વર્ષથી સાણંદની ઓળખ બની રહેલ કાર્યક્રમ એટલે “વિરાંજલી” સાણંદની ધરતી પર ફરી એકવાર દેશભક્તિની ક્રાંતિગાથા થકી દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર ક્રાંતિવીરોને યાદ કરવાનો અનોખો કાર્યક્રમ એટલે “વિરાંજલી” .આગામી ૨૩ માર્ચના રોજ સાણંદ એકલિંગજી રોડ ઉપર યોજાનાર આ કાર્યક્રમની તૈયારીઓને હાલ આખરી ઓપ આપી દેવાયો છે.
સાણંદમાં વર્ષ ૨૦૦૭માં યુવાનેતા પ્રદીપસિંહ વાઘેલાએ પોતાના વતન બકરાના ખાતેથી “વિરાંજલી” કાર્યક્રમ શરુ કર્યો હતો સાથે સાથે રાજ્ય કક્ષાની વિવિધ ટુર્નામેન્ટો પણ યોજી હતી.ત્યારથી આ કાર્યક્રમ દર વર્ષે યોજાય છે. પ્રદીપસિંહ વાઘેલાએ આ અંગે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે વર્ષના ૩૬૫ દિવસમાં એક પણ દિવસ એવો નથી કે જયારે કોઈએ દેશ માટે પ્રાણ ન્યોછાવર કર્યા ન હોય હવે આપણે દરેક દિવસે તો આ સપૂતોને યાદ ન કરી શકીએ પરંતુ ૨૩ માર્ચ જે ભગતસિંહ , સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ સરકારે ફાંસી આપી હતી આ દિવસે આપણે તમામ ક્રાંતિવીરોને યાદ કરી “વિરાંજલી ” આપીએ એવું અમે નક્કી કર્યું ત્યારથી આ કાર્યક્રમ લોકોના સહયોગથી યોજાતો આવ્યો છે . વર્ષ ૨૦૨૨ માં આ કાર્યક્રમ ત્રણ મહિના સુધી ગુજરાતના ૧૯ જિલ્લાઓમાં યોજ્યો હતો .તેઓએ ઉમેર્યું હતું કે આગામી ૨૩ માર્ચના રોજ સાણંદમાં યોજાનાર આ કાર્યક્રમમાં સાઈરામ દવે , કિર્તીદાન ગઢવી અને અન્ય કલાકારો દ્વારા માત્ર ડાયરો નહિ પરંતુ સત્ય ઘટનાઓ અને કાલ્પનિક ડાયલોગ્સ રંગમંચ પર જીવંત કરવામાં આવશે અને ૧૫૦૦૦ થી વધુ લોકો “વિરાંજલી” અર્પણ કરશે .

