કેજરીવાલની ધરપકડને લઈ ગુજરાતમાં વિરોધ, ટીંગાટોળી કરી ઇસુદાન સહિત કાર્યકરોની અટકાયત

   દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા ગતરોજ ધરપકડ કરવામાં આવી હતી. આજે સમગ્ર દેશમાં આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વરાછાની મિની બજાર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને પગલે વિરોધ કરી રહેલા 20થી વધુ આપ અને કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરી લેવામાં આવી હતી.વિરોધમાં જોડાયેલા કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવારની પણ અટકાયત કરાઇ હતી. જોકે રાજકોટના કિસાનપરા ચોક ખાતે આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ કર્યો છે. ટ્રાફિકથી વ્યસ્ત આ ચોક પર શરૂઆતમાં નારેબાજી બાદ રસ્તો રોકી દેવામાં આવતા પોલીસે ટીંગાટોળી કરી 40થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. અમદાવાદમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની વિરોધ મામલે ધરપકડ કરવામાં આવી છે.
     દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની 21 માર્ચની સાંજે ED દ્વારા દારૂ નીતિ કેસમાં સીએમ આવાસથી ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલે ED લોકઅપમાં રાત વિતાવી. આજે સુરતમાં આપ અને કોંગ્રેસ દ્વારા ગઠબંધનમાં કેજરીવાલની ધરપકડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતમાં વરાછાના મિનીબજાર ખાતે વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં આપ અને કોંગ્રેસના નેતાઓ એકઠા થયા હતા. પોલીસને પહેલાંથી જાણ હોવાથી મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો.તેમજ વિવિધ બેનરો અને સૂત્રોચાર કરવામાં આવ્યાં હતાં.   વિરોધ કરતા પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. આ સાથે જ સુરત લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણી પણ વિરોધમાં જોડાતા તેમની પણ અટકાયત કરી લેવામાં આવી હતી.
Social