શહીદ દિન વિશેષ: ભગતસિંહ વિશેની ભ્રામક વાતો અને સત્ય

“इस कदर वाकिफ है, मेरे जज्बातों से मेरी कलम,

मैं “इश्क़” भी लिखना चाहू तो “इंकलाब” लिख जाता है”

આ શબ્દો છે શહીદ ભગતસિંહના. ૨૩ માર્ચ,૧૯૩૧ ના દિવસે ભગતસિંહ, સુખદેવ, અને રાજગુરુને અંગ્રેજોએ ફાંસીના માચડે ચઢાવી દીધેલ. આજે ભગતસિંહને જાણ્યા કે સમજ્યા વિના સોશિયલ મીડિયામાં ગપગોળા ચાલે છે. ત્યારે આજે વાત કરવી છે ભગતસિંહ વિષે ચલાવવામાં આવતી ભ્રામક વાતો સામે તે અંગેના સત્ય વિશે.

આજનો સત્તાધારી પક્ષ એનકેન પ્રકારે ભગતસિંહના ક્રાંતિકારી વિચારોને પોતાના જમણેરી રાજકીય વિચારધારા સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ જાણવું ખૂબ જરૂરી બને છે ભગતસિંહ સામ્યવાદી વિચારધારામાં વિશ્વાસ ધરવતા હતા. એટલે કે ડાબેરી વિચારધારામાં અને નહિ કે જમણેરી વિચારધારામાં. ભગતસિંહ કિશોરાવસ્થામાં જ કાર્લ માર્ક્સ અને લેનિનની વિચારધારાના રંગે રંગાઈ ગયા હતા. તેમને બોલ્શેવિક ક્રાંતિમાંથી પ્રેરણા મળી હતી અને લેનિન તેમના આદર્શ હતા. તેઓ ભારતની સમસ્યાઓનું સમાધાન સોવિયત સંઘની સામ્યવાદી ક્રાંતિમાં હોવાનું માનતા હતા. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ સંસદમાં ફેંકેલા ચોપાનિયામાં દાસ કેપિટલના મૂળભૂત સિદ્ધાંતો અને સામ્યવાદી ઢંઢેરાના મુખ્ય બાબતો હતી. તેમાં લખ્યું હતું કે – “જ્યાં સુધી એક મનુષ્ય બીજા મનુષ્યનું અને એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રનું શોષણ બંધ નહીં કરે, ત્યાં સુધી માનવતાને તેની સાથે સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો નહીં મળે.” તેઓ કહેતા કે સરકાર કે શાસન બદલવાથી કોઈ ફરક પડવાનો નથી, હકીકતમાં વ્યવસ્થા બદલવાની જરૂર છે. આ ચોપાનિયામાં વધુમાં લખ્યું હતું કે – “દુનિયા એક વખત મૂડીવાદના સંકજામાંથી અને સામ્રાજ્યવાદી યુદ્ધના વિનાશમાંથી મુક્ત થઈ જશે પછી જ માનવતા ખરા અર્થમાં ખીલી શકશે.”

ભગતસિંહ સંપૂર્ણ માનવજાતની વાત કરે છે, જ્યારે હાલની સત્તાધારી પક્ષની નીતિઓમાં દેશના મૂડીવાદીઓનો પ્રાધાન્ય મળી રહ્યું છે અને નહીં કે શ્રમજીવીઓને. સામ્યવાદી વિચારધારા મુજબ ધર્મ સમાજને જોડવાને બદલે તોડે છે અને માર્ક્સે કહ્યું છે કે ધર્મ સમૂહ માટે અફીણ છે. ભગતસિંહ ચુસ્ત સામ્યવાદી અને નાસ્તિક હતા. એટલું જ નહીં તેઓ ક્યારેય પોતાને નાસ્તિક જાહેર કરતાં ગભરાતા નહોતા. તેમણે “હું શા માટે નાસ્તિક છું” શીર્ષક સાથે નિંબધ લખીને પોતાના નાસ્તિક હોવાના કારણો તર્કબદ્ધ રીતે રજૂ કર્યા હતા. ભગતસિંહને જાણવા-સમજવા હોય તો આ નિબંધનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. તેમાં તેમણે ઈશ્વરના અસ્તિત્વને પડકાર ફેંક્યો હતો. તેમણે પૂછ્યું હતું કે – “જો ઈશ્વર છે તો દુનિયામાં આટલું બધું દુઃખ કેમ છે? દુનિયામાં આટલી મોટી સંખ્યામાં લોકો દરિદ્ર કેમ છે? તેમણે લખ્યું છે કે – “જો તમે માનતા હોય કે સર્વશક્તિમાન, સર્વજ્ઞ અને સર્વવ્યાપી ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, તો તેણે આવી દુઃખી, પીડિત અને પાપથી ખદબદતી દુનિયાનું સર્જન શા માટે કર્યું? આમ, ભગતસિંહ ગરીબો, મજુરો અને વંચિતોના મુદ્દાને પ્રાધાન્ય આપી મુડીવાદી વિચારધારાનો વિરોધ, ધર્મનિરપેક્ષતાની તરફેણ અને કટ્ટર રાષ્ટ્રવાદને બદલે સમાનતામાં આગ્રહ ધરાવતી ડાબેરી વિચારધારામાં વિશ્વાસ રાખતા હતા અને નહિ કે કટ્ટર રાષ્ટ્રવાદી, પરંપરાવાદી અને કટ્ટર ધાર્મિક વલણ અપનાવતી જમણેરી વિચારધારામાં.

મહદઅંશે આપણી સમક્ષ ભગતસિંહને હાથમાં બંધૂક કે બોમ્બ રાખનાર હિંસક વ્યક્તિત્વ તરીકે પ્રસ્તુત કરવામાં આવતા હોય છે. પરંતુ તેઓ પુસ્તકોના ચાહક અને વાંચન-લેખનનોનો શોખ ધરાવતા હતા. ભગતસિંહ ફાંસીની થોડી ક્ષણો અગાઉ, સામ્યવાદી નેતા અને તેમના આદર્શ લેનિન વિશેનું પુસ્તક વાંચી રહ્યા હતા. ભગતસિંહે લાહોર જેલવાસમાં ૪૪૦ પાના ભરીને અસ્પૃશ્યતા અને કોમવાદ વિરુદ્ધ લખેલું. તેમણે ‘કીર્તિ’ મેગેઝિનમાં એપ્રિલ ૧૯૨૮ માં લખેલું કે “ભારતના નૌજવાનો ટર્કી કે રશિયા કે જાપાનના યુવાનોના સંઘર્ષ કે દેશપ્રેમ વિશે જાણે છે? આપણા યુવાનો શું કરે છે? કોઇ અમુક ઝાડની ડાળ કાપી જાય તો લોકોની ભાવનાને ઠેસ લાગી જાય છે. તાજિયાના પૂતળાનો ટુકડો તૂટી જાય તો એકમેકના લોહીના પ્યાસા થઇ જાય છે. આપણી વિચારધારા સંકુચિત દાયરામાં કેદ છે જ્યારે દુનિયાના યુવાનો આંતરરાષ્ટ્રીય સ્તર પર વિચારે છે.”

ભગતસિંહ અને ગાંધીજીને લઈને અનેક ભ્રામક વાતો આજે ફેલાઈ રહી છે ત્યારે આ જાણવું જરૂરી છે કે સશસ્ત્ર ક્રાંતિકારી ભગતસિંહ અહિંસક ગાંધીજીને પણ માન આપતા. જૂન, ૧૯૨૮ના ‘કીર્તિ’ મેગેઝિનમાં બારડોલી સત્યાગ્રહ અને કિસાન આંદોલનો વિશે ત્રણવાર ગાંધીજીનો ‘મહાત્મા’ તરીકે ઉલ્લેખ કરેલો! કાર્લ માર્ક્સના ચાહક હોવા છતાં ગાંધી-ચીંધ્યાં આંદોલનોમાં જોડાવા દેશના યુવાનોને આહ્વાન કરતા. (પ્રો. ચમનલાલ લેખિત પુસ્તક ‘ભગત સિંહ ઔર ઉનકે સાથિયો કે દસ્તાવેજ’) ભગત સિંહના સાથી ચંદ્રશેખર આઝાદ તો અંગ્રેજોની ૨૧ વાર સોટીઓ ખાઇને ‘મહાત્મા ગાંધી કી જય’ પોકારેલા અને જખ્મો પર સરકારી દવા લગાડવાથી ઇન્કાર કરેલો! એક એવી પણ ભ્રામક વાત ફેલાવવામાં આવે છે કે ભગતસિંહની ફાંસી રોકવા ગાંધીજીએ કશું ના કર્યું, પરંતુ ગાંધીજીએ લોર્ડ ઇર્વિન સાથે કરાર કરેલો અને ઇર્વિને ગાંધીજીને ભગતસિંહની ફાંસી રોકવા મૌખિક રીતે ‘હા’ પણ પાડેલી એવું ગાંધીજીના ટીકાકાર આંબેડકરજીએ, ભગત સિંહની ફાંસી પછી ૪ એપ્રિલ, ૧૯૩૧ ના રોજ ‘જનતા’ પત્રિકામાં લખેલું! આ કરારમાં અહિંસક ચળવળમાં પકડાયેલા બધા કેદીઓને છોડી મૂકવાની વાત હતી. પરંતુ રાજકીય હત્યાના આરોપસર ફાંસીની સજા પામેલા ભગતસિંહને આ કરાર હેઠળ માફી ન મળી. બીજા ઘણા કેદીઓને પણ ન મળી. ફાંસીની સજાને રોકવા માટે અપરાધીએ ખુદ માફીનામું આપવું પડે માટે, ગાંધી-નેહરુએ માફીનામા માટે ભગતસિંહના પરિવારને ખૂબ સમજાવેલા, પણ ભગતસિંહે પોતે પરિવારને માફીનામાની ચોખ્ખી ના પાડેલી બલ્કે ઇચ્છેલું કે ફાંસી થવાથી દેશના જુવાનો વધુ ઉશ્કેરાય, ચળવળો થાય ને રશિયા જેવી સશસ્ત્ર ક્રાંતિ સર્જાય. ભગતસિંહની ફાંસીની સજાને લઈને ગાંધીજીએ જુદા જુદા ઠેકાણે કરેલ ઉલ્લેખ અનુસાર, ગાંધીજી જણાવે છે કે,

“ભગતસિંહની બહાદુરી માટે આપણને માન ઊપજે છે, પણ મારે તો એવો આત્મભોગ જોઈએ છે કે જેમાં બીજાને ઈજા કર્યા વિના…લોકો ફાંસીના માંચડે ચડવા તૈયાર થાય.”

“મારાથી સમજાવી શકાય એટલી રીતે મેં વાઇસરૉયને સમજાવી જોયા. મારી સમજાવટની જેટલી શક્તિ હતી તે બધી મેં તેમના પર અજમાવી… ૨૩મીએ સવારે વાઇસરૉયને એક અંગત કાગળ લખ્યો. એમાં મેં મારો આખો આત્મા રેડ્યો હતો. પણ એ વ્યર્થ નીવડ્યો.”

ભગતસિંહને ફાંસી થઈ જેમાં સૌથી મહત્ત્વની ભૂમિકા સરકારી સાક્ષી બની ગયેલા કેટલાક ક્રાંતિકારી સાથીદારોની હતી. પરંતુ તેનો ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી અને આ મુદ્દાને લઈને ગાંધીજીએ કશું ન કર્યું તેવા ગપગોળા અને ભ્રામક વાતો ખુબ જ ચાલવામાં આવે છે કારણ કે, આમ, કરવાથી જમણેરી વિચારધારા ધરાવતા રાજકીય પક્ષોને તેનો ચોખ્ખો રાજકીય લાભ મળે છે. પરંતુ આપણે સૌએ એ વિચારવું રહ્યું કે ભગતસિંહના નામને પચાવી પાડનાર જમણેરી વિચારધારા ધરાવતા રાજકીય પક્ષો ભગતસિંહ ડાબેરી વિચારસરણી ધરાવતા, નાસ્તિક, બૌદ્ધિક અને કોમવાદના કટ્ટર વિરોધી હતા તેવું સ્વીકારશે ખરા?

અંતમાં, ભગતસિંહના શબ્દો,

“तर्क किए बिना किसी बात को आँख मूंदकर मान लेना भी एक प्रकार की मानसिक गुलामी है”

સંદર્ભ

  • https://yourstory.com/gujarati/f8488b42f9–quot-bhagat-singh-lokacahanano-khatanara-advantage-of-their-communist-ideas-is-acceptable-quot-
  • https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/rang-de-basanti-chola-satyo-ne-tathyothi-129543325.html
  • https://www.bbc.com/gujarati/india-45710284
Social