સાણંદ વિરાંજલીમાં ઇતિહાસમાં પ્રથમ વખત શહીદોની ભવ્ય આરતી
હોળી પૂર્વે શહાદતની શૌર્ય ગાથાઓથી સાણંદ રંગાયું
ભારત માતાની આઝાદી કાજે પોતાની જિંદગી હોમી દેનાર વીર શહીદોને અંજલી આપવાનો મહાયજ્ઞ એટલે સાણંદનો વિરાંજલી કાર્યક્રમ.
માર્ચ શહીદ દિન નિમિત્તે સાણંદ એકલિંગજી રોડ ઉપર યોજાયેલ વિરાંજલી કાર્યક્રમમાં 10,000 થી વધુ લોકોએ દેશ કાજે પોતાનું જીવતર ખપાવી દેનાર વીર શહીદોને વિરાંજલિ અર્પણ કરી હતી. અને ઇતિહાસમાં પ્રથમવાર સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર સાઈરામ દવે લિખિત શહીદોની આરતી ઉતારી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં સાઇરામ દવે, કિર્તીદાન ગઢવી, અલ્પાબેન પટેલ જેવા દિગ્ગજ ગાયક કલાકારો, ધર્મેન્દ્ર ગોહિલ, ભક્તિ રાઠોડ, આરજે આકાશ સહિતના દિગ્ગજ કલાકારો ની ટીમે જાણે સ્ટેજ ઉપર જ સ્વાતંત્ર સંગ્રામ ખડો કરી દીધો હતો, દેશભક્તિ થી તરબતર આ કાર્યક્રમમાં, વિરાંજલી કમિટીની ધારણા કરતા વધુ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. સમગ્ર સાણંદે આ કાર્યક્રમને નતમસ્તક વધાવી લીધો હતો, અને શહીદોને યાદ કરી રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરવાનો નાનકડો પ્રયાસ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં આયોજક અને અગ્રણી યુવા નેતા પ્રદીપસિંહ વાઘેલા અને તેમની ટીમે ખડે પગે કુશળ આયોજન કરી કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી હતી.





