અંબાલાલ પટેલે હોળીની જ્વાળાઓ જોઈને કર્યો વરતારો

પાલજમાં વિશાળ હોળી દહન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન અંબાલાલ પટેલ પણ હોળીનો વરતારો કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહી શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે ખેડૂતો રાજી થાય તેવી આગાહી કરી છે જોકે, આ સાથે તેમણે બાગાયતી પાક લેનારા ખેડૂતો માટે ચિંતા ઉભી થાય તેવી વાત પણ કરી છે. આકરા ઉનાળા બાદ ચોમાસાની શરુઆત આંધી-વંટોળ સાથે થવાની સંભાવનાઓ અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગાંધીનગરના પાલજથી જણાવ્યું છે કે, આ વખતે હોળીના દિવસે સૂર્યાસ્ત બાદ પવન પશ્ચિમનો રહ્યો હતો, સહેજ તેનો નૈરુત્યનો ઘૂમાવ હતો એટલે આ વર્ષ સારું રહી શકે છે. પરંતુ આંધી-વંટોળનું પ્રમાણ વધુ રહેવાની સંભાવનાઓ છે. 26 એપ્રિલ પછી મે અને જૂન સુધી આંધી-વંટોળ રહી શકે છે અને તેની અસર બાગાયતી પાક પર થઈ શકે છે. તેમણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ગરમી અને સાનુકૂળ વાતાવરણના કારણે ચક્રવાત ઉભા થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પાછોતરો વરસાદ પણ સારો થવાની સંભાવનાઓ છે. ઓક્ટોબરમાં પણ વરસાદ થવાની શક્યતાઓ અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે. જોકે, આ વર્ષે હોળીના વરતારા પ્રમાણે વાયુના તોફાનો વધુ રહે તેવી શક્યતાઓ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે.

Social