ગુજરાત- રાજસ્થાન સરહદ પરથી કારમાંથી 1 કરોડ રૂપિયા જપ્ત, કાર ચાલક ડ્રાઇવરની ધરપકડ
લોકસભાની ચૂંટણી અંતર્ગત અરવલ્લી જીલ્લામાં આચારસંહિતાનો કડકાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે. આથી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પરથી પસાર થતાં વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન પાસીંગની આઈ-10 કારના ગુપ્તખાનામાંથી ન્યૂઝ પેપરમાં વીંટાળેલ એક કરોડ રૂપિયા બિનહિસાબી મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી, પોલીસે અધધ 1 કરોડ બિનહિસાબી રોકડ રક્મ ક્યાથી કયા લઇ જવાની હોવા અંગે કાર ચાલકની સઘન પૂછપરછ હાથધરી હતી.
શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે રાજસ્થાન રાજ્યને અડીને અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર અણસોલ ચેકપોસ્ટ પર ગેરકાયદેસર ચીજવસ્તુઓની હેરાફેરી અટકાવવા માટે બેરીકેટિંગ કરી વાહનોનું ચેકિંગ હાથ ધરતા રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી આઈ-10 કારને અટકાવી તલાસી લીધી હતી. આથી કાર ચાલક ડ્રાઇવર ચિંતિત જણાતા પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા કારની વચ્ચેની સીટમાં ગુપ્તખાનામાં રોકડ રકમ હોવાનું જણાવતા પોલીસે ગુપ્તખાનું ખોલાવતા પોલીસની આંખો પહોળી થઈ ગઈ હતી.
