અમદાવાદમાં આંબાવાડીની સેન્ટ્રલ GSTની ઓફિસમાં પાર્ક ટ્રકમાંથી થયેલા લાખો રૂપિયાના પાન-મસાલાની ચોરીનો ભેદ ઉકેલાયો
અમદાવાદ શહેરના આંબાવાડી સેન્ટ્રલ GSTની ઓફિસમાં પાર્ક કરેલી ટ્રકમાંથી લાખો રૂપિયાની કિંમતના પાન-મસાલાની ચોરી કેસમાં એલિસબ્રીજ પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. GST વિભાગમાં આઉટ સોર્સ ડ્રાઇવર તરીકે નોકરી કરતાં 5 ડ્રાઇવરની ધરપકડ કરી છે. GST ચોરીના કેસમાં જપ્ત કરાયેલી ટ્રકને GST ઓફિસમાં લાવતા આરોપીઓએ અલગ અલગ દિવસોમાં મુદ્દામાલ ચોરીને વેચી નાખ્યો હોવાનું ખૂલ્યું છે.
સૂત્રોના કહેવા મુજબ આંબાવાડીમાં આવેલ સેન્ટ્રલ GST વિભાગની ઓફિસમાં GST ઇન્સ્પેક્ટરે ઓફિસના કેમ્પસમાં પાર્ક ટ્રકમાંથી પાન-મસાલાના પાર્સલની ચોરી થઈ હોવાની એલિસબ્રિજ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી અને ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ કરતા કેટલાંક ઓફિસ માટે ઉપયોગમાં લેવામાં આવતી ભાડાની ગાડીઓમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા ઇસમોની સંડોવણી સામે આવતા પોલીસે દિલીપ ચંપાલાલ હંસ (રહે. વૈશાલી ટાઉનશીપ, વાસણા), અસ્ફાક ખાની (રહે. તસ્લીમ સોસાયટી, વટવા), પ્રશાંત મકવાણા (રહે. બાલા છગનલાલની ચાલી, રખિયાલ રોડ, ગોમતીપુર),શાકીબ અજમેરી (રહે. દિલ્હી ચકલા, દરિયાપુર),અને પ્રશાંત ચુનારા (રહે. ગુપ્તાનગર વાસણા)ની અટકાયત કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કોને કોણ વેચ્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
173