ગાંધીનગર SOGએ શાહપુર સર્કલથી MD ડ્રગ્સ સાથે બે આરોપીને દબોચ્યા, અમદાવાદની જિંદગી નામની મહિલા પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા
રાજ્યમાં ડ્રગ્સ પકડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગાંધીનગર ખાતેથી MD ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયા છે. ગાંધીનગર SOGએ MD ડ્રગ્સ સાથે બે આરોપીને દબોચી પાડ્યાં છે. 33 હજારથી વધુ કિંમતનું 3.320 ગ્રામ MD ડ્રગ્સ SOG પોલીસે કબજે કર્યું છે. પોલીસે 33 હજારની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો સહિત 99 હજાર 530 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરનાં શાહપુર સર્કલ પાસેના જોગણી માતાના મંદિર તરફનાં સર્વિસ રોડ પરથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પૂર્વ બાતમીના આધારે ગાંધીનગરના બે શખ્સોને 33 હજારની કિંમતના MD ડ્રગ્સનાં જથ્થા સાથે ઝડપી પાડી નશાનાં કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બંને શખ્સો અમદાવાદની જિંદગી નામની મહિલા પાસેથી ડ્રગ્સનો જથ્થો લઈ આવ્યા હોવાનું તપાસમાં ખુલતા ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી છે. જેનાં પગલે આગામી દિવસોમાં યુવાધનને રવાડે ચડાવનાર અન્ય ઈસમોની પણ લિંક બહાર આવવાની સંભાવના છે.
બાતમીનાં આધારે શાહપુર સર્કલથી આશરે 40 મીટરના અંતરે જોગણી માતાના મંદીર તરફના સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવી દઈ ચોક્ક્સ બાતમી વાળા ઈસમોને બાઈક સાથે આંતરી લીધા હતા. જેઓની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ જોરૂભાઇ જગમલભાઈ ઉર્ફે જગદીશભાઇ ભરવાડ (ઉ.વ. 30 રહે. રામવસાહતના છાપરા, ધોળાકુવા, મુળ ગામ કુંભાર ખાણ તા.વિરમગામ) તેમજ સતીષ ભીમન્ના મસી મુકલ્લા (ઉ.વ. 42 રહે. ફ્લેટ નં, બી/208, વૈદીકા ઇસેન્સ, રાયસણ, મુળ ગામ ફિટાપુરમ ગાંધી સ્ટેથ્યુ સેન્ટરની પાસે, જિ. ઈસ્ટ ગોદાવરી આંધપ્રદેશ) હોવાનુ જણાવ્યુ હતું. જેઓની અંગ ઝડતી લેતા ચાર જીપલોક કોથળીમાં શંકાસ્પદ સફેદ પાવડર મળી આવ્યો હતો. જે અંગે પૂછતાં આ સફેદ પાઉડર MD ડ્રગ્સ હોવાની કબૂલાત કરી હતી. બન્ને ઈસમો અમદાવાદના ઈસનપુર ઉજાલા સર્કલ સ્વાદ ગાંઠિયા રથ પાસેથી જાહ્નવી ઉર્ફે જિંદગી નામની મહિલા પાસેથી લાવ્યા હોવાની કેફિયત વર્ણવી હતી. જેનાં પગલે એસઓજી 33 હજારની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો સહિત 99 હજાર 530 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
