ગુજરાત યુનિવર્સિટીમાં BSCની પરીક્ષામાં મોટો છબરડો: વિદ્યાર્થીઓને આવતીકાલનું પેપર આજે અપાયું
ગુજરાત યુનિવર્સિટીમાં BSCની પરીક્ષામાં મોટો છબરડો સામે આવ્યો છે. આજે જે વિષયનું પેપર હતું તેની જગ્યાએ આવતીકાલે યોજાનારી પરીક્ષાનું પેપર પૂછવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની રજૂઆત બાદ પરીક્ષા વિભાગે હાથથી લખેલું નવું પેપર કાઢીને વિદ્યાર્થીઓને આપ્યું હતું. પરીક્ષા વિભાગે આ અંગે દોષનો ટોપલો પેપર સેન્ટર પર ઢોળ્યો છે.
ગુજરાત યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં અત્યારે ચાલી રહેલી BSC સેમેસ્ટર-6ની પરીક્ષામાં આજે Angiosperms, plant an antomy, Advanced bio chemistry, Microbiology-308 નંબરનું પેપર હતું, જેની જગ્યાએ આવતીકાલે યોજાનારી Advanced Plant physiology, plant Breeding, molecular biology, biotechnology-309 નંબરનું પેપર પૂછવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના હાથમાં પેપર આવતા વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી, જેથી વિદ્યાર્થીઓ પાસેથી પેપર પરત લેવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓને હાથથી લખેલું પેપર આપવામાં આવ્યું હતું. પરીક્ષાના છબરડા અંગે પરીક્ષા વિભાગની જ બેદરકારી સામે આવી છે. આ અંગે NSUIના કાર્યકરો રજૂઆત કરવા ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યા હતા.
