ગાંધીનગરમાં વાહન ચોરીના ગુનાને અંજામ આપનાર બે ચોર પેથાપુર – કોબા ખાતેથી ઝડપાયા

ગાંધીનગરમાં વાહન ચોરીના ગુનાને અંજામ આપનાર બે ચોરને લોકલ ક્રાઇમ બ્રાંચ તેમજ ઈન્ફોસિટી પોલીસે પૂર્વ બાતમીના આધારે પેથાપુર – કોબા ખાતેથી ઝડપી પાડી એક્ટિવા તેમજ બાઈક ચોરીનો ભેદ ઉકેલી કાઢી કુલ રૂ. 85 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લોકલ ક્રાઇમ બ્રાંચનાં પીઆઈ વાળાની અલગ અલગ ટીમ સઘન વાહન ચેકીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળી હતી કે, સમીર સરફુદ્દીન ચૌહાણ (રહે, જૈન દેરાસર પાસે, પેથાપુર) ચોરીના ટીવીએસ વીગો મોપેડ લઈને શહેરમાં ફરી રહ્યો છે. જેનાં પર વોચ રાખી એલસીબીએ સંજરી પાર્કથી ફતેપુરા તરફ જતા રોડ ઉપરથી સમીરને ઝડપી પાડયો હતો. જેની પૂછતાંછમાં મોપેડ પેથાપુર પોલીસ મથકની હદમાંથી ચોરેલું હોવાનું સામે આવ્યું હતું. જેનાં પગલે એલસીબીએ 50 હજારની કિંમતનું મોપેડ જપ્ત કરી સમીર ચૌહાણની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.
એજ રીતે ઈન્ફોસિટી પોલીસ મથકના ચોપડે નોંધાયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા સર્વેલન્સ સ્કવોર્ડ પીએસઆઇ વી જી પરમાર સહિતની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમિયાન મળેલી બાતમીના આધારે કોબા સર્કલ ખાતેથી બાઇક સાથે મુકેશ શાંતીલાલ કટારાને (રહે હાલ.વાળીનાથ ચોક, નારાયણપુરા, અમદાવાદ મુળ રહે.ગામ મનપુર, સુથારીયા ફલું, ડુંગરપુર) દબોચી લીધો હતો. જેની પાસેથી મળી આવેલ બાઈકનાં કાગળો સહીતના પુરાવા માંગતા મૂકેશ કટારા ગલ્લા તલ્લાં કરવા લાગ્યો હતી. જેનાં પગલે પોલીસે લાલ આંખ કરતાં બાઈક ચોરીનું હોવાની મૂકેશે કબૂલાત કરી હતી.

Social