ગાંધીનગરના એપોલો સર્કલ નજીક ટ્રેકટર અને કાર વચ્ચે અકસ્માત : ટ્રેકટર ચાલકનું કરુણ મોત
અક્સ્માતનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. તેવામાં એક વધુ અકસ્માત સામે આવ્યો છે જેમાં આધેડે જીવ ગુમાવ્યો હતો. ગાંધીનગરના કોબાથી એપોલો સર્કલ તરફ નર્મદા કેનાલ ઉતરતી વેળા હાઇવે પર કારના ચાલકે ટ્રેકટર ટ્રોલીને પાછળથી ટક્કર મારી હતી. આ સર્જાતા ટ્રેકટર ચાલક ઉછળીને નીચે પટકાતા ગંભીર ઈજાઓ થઈ હતી. જેનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજતા ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘરના મોભીના મોતથી પરિવારમાં માતમ છવાયો હતો.
મળતી માહિતી અનુસાર દસ્ક્રોઇના વિરાવતની મુવાડી ગામે રહેતા નરેશનાં 50 વર્ષીય પિતા જવાનજી આતાજી ઝાલા અજય એન્જી.ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી. નામની કંપનીમાં ટ્રેકટરના ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. હાલમાં કંપનીનું કામ ગાંધીનગર ખાતે અપોલો સર્કલ ઉપર ઓવર બ્રિજ બનાવવાનું કામ ચાલુ હોવાથી જવાનજી સાઇડ ઉપર એકલા જ રહેતા હતા.અને ટ્રેકટર ચલાવતા હતા. નરેશ નોકરી ઉપર હાજર હતો. એ વખતે તેના પિતાની કંપનીમાંથી ફોન આવેલો કે, કોબાથી અપોલો સર્કલ તરફ જતા રોડ ઉપર જવાનજીના ટ્રેકટરને ગાડીના ચાલકે અકસ્માત કર્યો હોવાથી કુડાસણની ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. જેનાં પગલે નરેશ તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયો હતો. જ્યાં તેના પિતાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હોવાનું માલુમ પડયું હતું. આ અંગે નરેશની ફરિયાદીના આધારે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
155