મુસાફરોને રિક્ષામાં બેસાડી કિંમતી સામાનની ચોરી કરતી રીક્ષા ગેંગનો અડાલજ પોલીસે કર્યો પર્દાફાશ
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી મુસાફરોને રીક્ષામાં બેસાડી તેમના કિંમતી માલસામાનને ચોરી લેતી ગેંગ સક્રિય થઈ હતી ત્યારે અડાલજ પોલીસે વટવાની રીક્ષા ગેંગનો પર્દાફાશ કરી ચોરીના 23 મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 2 લાખ 15 હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ આરોપીઓના રીમાન્ડ માટેની તજવીજ શરૂ કરાઈ છે જેમાં ચોરીના અન્ય ગુનાઓ ઉકેલાવાની પણ શક્યતા સેવાઈ રહી છે.
અડાલજ પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળી હતી કે, એક સીએનજી રીક્ષામાં બે ઈસમો બિલ વિનાના મોબાઇલ ફોન વેચવા માટે ફરી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસની ટીમોએ અડાલજ બાલાપીર સર્કલ પાસે ઝુંડાલ સર્કલ તરફથી આવતાં રોડ ઉપર વોચ ગોઠવી દેવામાં આવી હતી. અને ઝુંડાલ સર્કલ તરફથી બાતમી મુજબની રીક્ષા આવતાં ઈશારો કરીને કોર્ડન કરી લીધી હતી.
બાદમાં રીક્ષાની તલાશી લેતાં અલગ અલગ કંપનીના 23 મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જેનાં પગલે સોહિલ મોહમદ સઈદ ગુલામ મોયુદ્દીન શેખ (ઉ.20) અને મોહમદ સમીર શેરૂભાઈ સૈયદ(ઉ. 19) (બન્ને રહે. વટવા ચાર માળીયા, ગજેન્દ્ર ગટકરનગર વટવા અમદાવાદ) ને ઉઠાવી લઈ પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. જેઓની કડકાઈથી પૂછતાંછ કરતાં વટવા ચાર માળીયા ગજેન્દ્ર ગટકરનગરમાં રહેતી 32 વર્ષીય તુલસી ઉર્ફે તમન્ના મોહશીન અયુબ શેખ સાથે રીક્ષા લઈને નીકળતાં હતા. અને એકલદોકલ મુસાફરોને બેસાડી મુસાફરની નજર ચૂકવી મોબાઇલ સેરવી લેતા હતા.
જેનાં પગલે પોલીસે તુલસી ઉર્ફે તમન્ના શેખની પણ ધરપકડ કરી લીધી હતી. વટવા ચાલી વિસ્તારમાં રહેતી ત્રિપુટી રિક્ષામાં મુસાફરોને બેસાડી ગુનાને અંજામ આપતી હતી. સોહિલ અને મોહમદ સમીર વારાફરતી રીક્ષા ચલાવતા અને કોઈને શંકા ઉપજે નહીં એ માટે તુલસી ઉર્ફે તમન્ના પાછળની સીટમાં બેસતી હતી. વધુમાં પીઆઈએ ઉમેર્યું હતું કે, મોબાઈલ ચોરીને મજૂર વર્ગમાં સસ્તા ભાવે વેચી મારતા હતા. કેમકે અન્ય લોકોને વેચવા માટે જાય તો બિલ સહિતનાં પુરાવા આપવા પડે. હાલમાં ત્રણેયની ધરપકડ કરી રૂ. 1.15 લાખની કિંમતનાં 23 મોબાઇલ ફોન, સીએનજી રીક્ષા મળીને કુલ રૂ. 2 લાખ 15 હજાર 500 નો મુદામાલ જપ્ત કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
154