અંબાજી, પાવાગઢમાં હજારો ભક્તોએ દર્શનનો લહાવો લીધો
ચૈત્રી નવરાત્રિનો આજે પ્રારંભ થતાં શક્તિપીઠ એવા અંબાજી અને પાવાગઢ મહાકાળી મંદિરે વહેલી સવારે દર્શનાર્થીઓ માતાજીનાં દર્શને પહોંચ્યા હતા. અંબાજી ખાતે ભક્તો વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે. ત્યારે ચૈત્રી નવરાત્રીનું અનેરું મહત્ત્વ હોય છે. અંબાજી મંદિરમાં ભક્તો ગરબે રમતા અને આરાધના કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે પાવાગઢ મહાકાળી મંદિરે શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ આપી હતી.
અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. અંબાજી મંદિર ખાતે માઈભક્તો દૂરદૂરથી દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આજે સવારે મંગળા આરતીમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. અંબાજી મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે. આ મંદિરના શિખર ઉપર 358 નાના-મોટા કળશ લાગેલા છે. શક્તિદ્વારથી મંદિર પરિસરમાં અલગ અલગ જગ્યા ઉપર રંગબેરંગી ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. મંદિરના નૃત્ય મંડપ નીચે ચૈત્રી નવરાત્રિ અખંડ ધૂન મંડળ દ્વારા સતત દસ દિવસ સુધી અખંડ ધૂન શરૂ થઈ ગઈ છે.
જયારે શક્તિપીઠ પાવાગઢ ખાતે વહેલી સવારે જ દર્શનાર્થીઓ માતાજીનાં દર્શને પહોંચ્યા હતા. સવારે ચાર વાગ્યે માતાજીની આરતીનો લહાવો હજારો માઇભક્તોએ લીધો હતો. યાત્રાળુઓની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીની આરતી તેમજ મંદિર ખોલવા અને બંધ કરવાના સમયમાં તેમજ ઉડન ખટોલાની સેવાઓના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. વહેલી સવારે માતાજીના જયઘોષ સાથે શ્રદ્ધાળુઓ તળેટીમાંથી માચી સુધી અને માચીથી મંદિર જવાના રેવાપથ ઉપર પગપાળા ચાલતા જોવા મળ્યા હતા. હાલ પરીક્ષાના માહોલ વચ્ચે પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પહેલાં નોરતે માતાજીનાં દર્શને પહોંચ્યા હતા.
