વાયદાનું તળાવ : વાયદાના પાંચ વર્ષેય આ તસ્વીર કોઈ બદલી ના શક્યું

સાણંદનું ગઢિયું તળાવ જેના બ્યુટીફિકેશનની વાતો ચૂંટણી ઢંઢેરામાં અવશ્ય દેખાઈ છે પણ ગ્રાઉન્ડ લેવલે અહીં કોઈજ કામ થયું નથી . સાણંદ જેની આસપાસ વસેલું છે એવું આ તળાવ કે જે સાણંદના હાર્દ સમું છે. ચૂંટણી સમયે આ તળાવને નેતાઓએ વાયદાઓનો મુદ્દો જરૂર બનાવ્યો છે પરંતુ ત્યાર બાદ જૈસે થે.સાણંદ નગરપાલિકાની અગાઉની ચૂંટણીઓમાં ગાઈ વગાડીને ગઢિયું તળાવના બ્યુટીફીકેશનની વાતો કરવામાં આવી પણ આ વાતો માત્ર અને માત્ર મતોની ટંકશાળ પાડવા માટે જ હતી એવું શહેરીજનોને લાગી રહ્યું છે. ઔડાને પણ માત્ર અને માત્ર ટીપીના અને જમીનોના મલાઈ વાળા જ કામો ગમતા હોય અને લોકસુખાકારી ના પ્રોજેક્ટોમાં કોઈ રસ ન હોય તેમ સાણંદમાં ઉડીને આંખે વળગે તેવા એકેય વિકાસના કામો થયા નથી. આટ આટલી ટીપીઓ ખુલી છતાં જેને સાર્વજનિક બગીચો કહી શકાય તેવો એકેય ગાર્ડન નથી ,સમ ખાવા પૂરતો એક ગાર્ડન ભાવનાથ મંદિર પાસે બન્યો , જાળવણીના અભાવે તેના પણ પાટિયા પડી ગયા.સાણંદના સિનિયર સીટીઝનો સહીત મહિલાઓએ પણ આ બાબતે મનોહર ટાઈમ્સને લખ્યું છે કે ગાર્ડન જરૂરી છે એના માટે કૈક કરો . દ્રશ્યમાન તસ્વીર માત્ર એક તળાવની તસ્વીર નથી પણ સાણંદના વિકાસની ચાડી ખાતી તસ્વીર છે. જેમ આ તળાવ વિકાસ વગર ઓરમાયું છે તેમ સાણંદ શહેર પણ વિકાસ વગર ઓરમાયું છે.જો કે ચૂંટણી નજીક આવી એટલે અહીં પુરાણનું થોડું કામ શરુ થયું છે પણ પૂરું થશે કે નહિ એ પશ્ન છે. સાણંદમાં હાલ વહીવટદરનું શાસન ચાલી હ્યુ છે ત્યારે પાલિકામાં કોઈ રણીધણી નથી. બજારમાં ઠેર ઠેર ખોદેલા ખાડા કામ પત્યા પછી પણ કોઈને પુરવામાં રસ નથી અરે ખાડા તો ઠીક પણ એમાંથી નીકળેલા સળિયાઅને સોસાયટીઓમાં ઠેર ઠેર ઉભરાતી ગટરો પણ છેલ્લે ચૂંટાયેલા કોઈ કોર્પોરેટરને દેખાતા નથી કારણકે આ લોકોની સમસ્યા છે તેઓની નથી પછી ભલેને જે તે વખતે સત્તા ઉપર એ જ લોકોએ ચૂંટીને બેસાડ્યા હોય ! ગુજરાતની સૌથી મોટી બીજા નંબરની જીઆઇડીસી સાણંદમાં છે છતાં કંપનીઓના CSR માંથી એક રૂપિયો પણ શહેરમાં વપરાયો હોય તેવું દેખાતું નથી કે પછી વાપરવો જોઈએ એવું કોઈ સત્તાધીશોને સૂઝતું જ નથી. ચૂંટણીમાં ખોબલે ખોબલે મત આપ્યા પછી પણ શહેર રણી ધણી વગરનું થઇ જાય તો પછી નાગરિકોએ આ વાત સમજવી જ રહી . આશા છે કે આ અહેવાલથી એક વીરલો એવું કહેનારો પાકે અને મનોહર ટાઈમ્સને એવું કહે કે સાણંદ શહેરની સમસ્યાઓની જવાબદારી અમારી છે અને અમે ઉકેલ લાવીશું.

default
Social