ધોરાજીમાં કારનું ટાયર ફાટતા 60 ફૂટ નીચે નદીમાં ખાબકી, 3 મહિલા સહિત 4 લોકોનાં કરુણ મોત
રાજકોટ જિલ્લાનાં ધોરાજી ખાતે ગમખ્વાર અકસ્માત થયો છે. ભાદર નદીના પુલ પાસે કારનું ટાયર ફાટતા કાર પુલની રેલિંગ તોડી 60 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ત્રણ મહિલા સહિત ચાર વ્યક્તિઓનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. આ અંગેની જાણ કરવામાં આવતા પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગની મદદથી કાર અને તેમાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાનાં ધોરાજી પાસે આવેલા ભાદર નદીના પુલ પરથી I-20 કાર પસાર થઈ રહી હતી. દરમિયાન અચાનક કારનું ટાયર ફાટતા આ કાર ભાદર નદીમાં ખાબકી હતી. અકસ્માતમાં બે મહિલા, એક યુવતી અને એક પુરૂષ સહિત ચાર વ્યક્તિના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી ગઈ છે અને તરવૈયાઓની મદદ વડે તમામનાં મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જેમાં તપાસ દરમ્યાન જાણવા મળ્યા અનુસાર મૃતકના નામ 55 વર્ષીય સંગીતાબેન કોયાણી, 52 વર્ષીય લીલાવંતીબેન ઠુમ્મર, 55 વર્ષીય દિનેશભાઈ ઠુમ્મર અને 22 વર્ષીય હાર્દિકાબેન ઠુંમ્મર હોવાનું સામે આવ્યું છે. આ કાર માંડાસણથી ધોરાજી તરફ જઈ રહી હતી. ત્યારે જ કોઈ કારણોસર કાર ભાદર ડેમમાં પડી જતા અકસ્માત સર્જાયો હતો. મૃતકો ધોરાજીનાં જેતપુર રોડ નજીકના રહેવાસી હોવાનું તેમજ પ્રાથમિક તબક્કે કારનું ટાયર ફાટ્યું હોવાને કારણે અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માતને લઈને ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૃતકનાં પરિવારજનો તથા સ્થાનિક ભાજપનાં અગ્રણીઓ તથા તુલસી ચેરીટેબલ ટ્રસ્ટનાં હોદ્દેદારો હોસ્પિટલે દોડી ગયા હતા. તેમજ ધોરાજી સરકારી હોસ્પિટલમાં લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ ગોઝારા અકસ્માતને લઈ મૃતકોના પરિવારની સાથે સાથે સમગ્ર ધોરાજી પંથક અને આસપાસના ગામોમાં પણ શોકનો માહોલ છવાયો છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
122