ટેલિગ્રામમાં ટાસ્ક આપી 71.89 લાખની છેતરપિંડીના ગુનામાં ભેજાબાજ ગેંગનો ફોલ્ડર ઝડપાયો
ગાંધીનગરના અદાણી શાંતિગ્રામનાં આઈટી વિભાગનાં ડેપ્યુટી મેનેજરને ટેલીગ્રામ ઉપર ટાસ્ક પૂરું કરવાની અવેજીમાં શરૂઆતમાં એકાઉન્ટમાં પૈસા જમા કરાવી વિશ્વાસ કેળવી ક્રિપ્ટો કરન્સીમાં બીટકોઈન/ઇથેરિયમમાં ટ્રેડિંગ કરવાનું કહીને 71 લાખ 89 હજાર 799 ની છેતરપિંડીના ગુનામાં ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે ભેજાબાજ ગેંગના એક ફોલ્ડરને ઝડપી પાડી પૂછતાંછ હાથ ધરી છે. તેમજ અલગ અલગ નવ બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હોવાનું સામે આવ્યું છે.
ગાંધીનગરના અડાલજમાં અટલ આવાસ યોજનાના મકાનમાં રહેતા અને વૈષ્ણવદેવી સર્કલ નજીક આવેલ અદાણી શાંતિગ્રામમાં આઈટી વિભાગમાં ડેપ્યુટી મેનેજર તરીકે ચિત્તરંજનકુમાર અનુપકિશોર રાયના વોટ્સઅપ ઉપર અજાણ્યા વર્ચ્યુઅલ મોબાઇલ નંબરથી હેલ્લો, હાઉં આર યુ, નો મેસેજ ત્રીજી ઓક્ટોબર 2023 નાં રોજ આવ્યો હતો. બાદમાં આઇડી ડીઝીટલ એજન્સીથી શર્મા નામના ઈસમે ઘરે બેઠા પાર્ટ ટાઈમ નોકરીનો મેસેજ કરી ટેલીગ્રામ ઉપર ટાસ્ક પુરા કરવા માટે એક લીંક પણ મોકલી આપી હતી.આથી ચિત્તરંજને પોતાના Paytm એકાઉન્ટની વિગતો આપતાં તેને ટેલીગ્રામના એક ગ્રુપમાં જોઇન્ટ કરવામાં આવ્યો હતો. જે ટેલીગ્રામ ગ્રુપમાં ગુગલ મેપની લીંક મોકલી રીવ્યુ પેટે ત્રણ ટાસ્ક પુરા કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.
જે ટાસ્ક પૂર્ણ કરતા જ ચિત્તરંજનને રૂ. 168 મળ્યા હતા. એટલે બીજું ટાસ્ક પૂરું કરવા તેણે એક આઈડીમાં 1000 ભર્યા હતા. જેની સામે રૂ. 1580 મળ્યા હતા. બાદમાં ત્રીજા ટાસ્ક પેટે પણ ચિત્તરંજનનાં ખાતામાં રૂપિયા 548 જમા થયા હતા. આમ ટેલીગ્રામ ઉપર ટાસ્ક પૂર્ણ થતાં રૂપિયા મળતા હોવાથી ચિત્તરંજનને વિશ્વાસ બેઠો હતો.બાદમાં તેને ટેલીગ્રામ ઉપર જોઈન કરી બીટકોઇન/ઇથેરિયમમાં ટ્રેડ કરવા માટે જુદા જુદા બેંક ખાતાઓમાં પૈસા ભરાવવામાં આવ્યા હતા. બાદમાં ખોટું ઇન્વેસ્ટ થઈ ગયાનું કહીને ગઠિયાએ ખાતું બ્લોક થઈ ગયું હોવાનું કહી બીજા પૈસા ભરવા કહ્યું હતું.આથી ચિત્તરંજને પોતાના Binance આઈડીથી અલગ અલગ ટેલીગ્રામ એડ્રેસ વાળા આઈડીમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જે Binance વીડ્રોની ભારતીય ચલણ મુજબ કુલ રૂ. 11,50,000/-ની હતી. તથા જુદા જુદા બેંક ખાતામાં ભરાવેલ કુલ રૂ. 60,47,027 માંથી તેના ખાતામાં શરૂઆતમાં કુલ રૂ. 7228/-જમા થયેલ. જે બાદ કરતા રૂ.60,39,799 અને રૂ.11,50,000 એમ કુલ મળી રૂ.71,89,799 ચિત્તરંજન પાસે ભરાવવામાં આવ્યા હતા. આ પૈસા ચિત્તરંજને જુદી જુદી લોનો લઈને ભર્યા હતા. તેમ છતાં લાંબા સમય સુધી તેણે ભરેલા પૈસા એકાઉન્ટમાં આવ્યા ન હતા. આખરે પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં ચિત્તરંજને ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
