NCPના નામે બંધન બેન્કમાં એકાઉન્ટ ખોલાવી ડોનેશન માગવાનું કૌભાંડ પકડાયું

 રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નામે બંધન બેન્કમાં એકાઉન્ટ ખોલાવીને તેની વિગતો સોશિયલ મીડિયા પર વહેતી કરી પાર્ટીના નામે ડોનેશન લેવાનું કૌભાંડ પકડાયું હતું. આ વાત ધ્યાન પર આવતા એનસીપીના ખજાનચીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે એનસીપીના નામે બેંકમાં એકાઉન્ટ ખોલાવનાર તેમ જ સોશિયલ મીડિયા પર તેનો પ્રચાર કરી પૈસા પડાવવાનો પ્રયાસ કરનાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

 બોડકદેવની અતિથિ હોટેલની ગલીમાં આવેલા કર્ણાવતી એપાર્ટમેન્ટમાં રહેતા હેમાંગભાઈ હર્ષદભાઈ શાહ (ઉં. 60) છેલ્લાં પાંચ વર્ષથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં ખજાનચી તરીકે કામ કરે છે. રાજકીય પક્ષોને મળતા ડોનેશન પર ઇન્કમટેક્સમાંથી 100 ટકા રિબેટ મળે છે, જેથી કેટલાક ગઠિયાએ સોશિયલ મીડિયા પર એનસીપીના નામે એક બેંક એકાઉન્ટની માહિતી મૂકી હતી અને તે એકાઉન્ટમાં એનસીપીના નામે ડોનેશન ઉઘરાવવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.આ વાતન ધ્યાન પર આવતા હેમાંગભાઈ શાહે તપાસ કરતા જે એકાઉન્ટ નંબર એનસીપીના નામે સોશિયલ મીડિયામાં વહેતો કરવામાં આવ્યો હતો તે એકાઉન્ટ નંબર બંધન બેંકનો હતો. આટલું જ નહીં આ એકાઉન્ટ નંબર પર ડોનેશન કરનારને એનસીપીની બનાવટી સ્લિપ પણ આપવામાં આવતી હતી, જેથી આ અંગે હેમાંગભાઈ શાહે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
Social