ગોમતીપુરમાં રૂ. 100ની ફાટેલી નોટ ચલાવવાનું કહેતા દુકાનદારે યુવકને લોખંડના ઝારાથી ફટકાર્યો

ગોમતીપુરમાં યુવકે જમવાનુ પાર્સલ કરાવ્યા બાદ રૂ. 100ની નોટ આપી હતી. પરંતુ તે થોડી ફાટેલી હોવાથી દુકાનમાલિકે પરત લઇ લે તેમ જણાવ્યુ હતુ. પરંતુ યુવકે ચાલતી હોય તો ચલાવો તેમ કહેતા દુકાનદારે યુવકને લોખંડના ઝારાથી ફટકાર્યો હતો. આ અંગે યુવકે દુકાનમાલિક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
ગોમતીપુરમાં રહેતા અશરફલી અંસારી રિક્ષા ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ કામદાર મેદાન ખાતે આવેલ આલમભાઇ શેખની દુકાને અવારનવાર જમવા હોવાથી સંપર્ક થયો હતો. ગત 11 એપ્રિલે ઇદનો તહેવાર હોવાથી તેઓ આલમના ત્યાં ગયા હતા અને જમવાનુ પાર્સલ કરાવ્યુ હતુ. જેમાં રૂ. 100 આપ્યા હતા. પરંતુ રૂ. 100ની નોટ થોડી ફાટેલી હોવાથી આલમે અશરફલીને નોટ પાછી લઇલે કહીને ઝઘડો કર્યો હતો. જે બાદ નોટ ચાલતી હોય તો લઇ લો મારી પાસે બીજા છુટા રૂપિયા નથી કહેતા આલમે ઉશ્કેરાઇને બિભત્સ ગાળો બોલીને અશરફલીને માર માર્યો હતો. તેમજ લોખંડના ઝારાથી માર મારતા લોહિ નીકળવા લાગ્યુ હતુ. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા અશરફલીને છોડાવ્યો હતો. અને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે અશરફલીએ આલમ સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

Social