બોપલ પાસેના આંબલીમાં ઘરમાં ચોરી કરનાર 2 પકડાયા : પૈસાની જરૂર પડતા ચોરી કરવાનું શરુ કર્યું
અમદાવાદમાં બંધ મકાનો અને એકલ-દોકલ રહેતા લોકોની સવારે રેકી કરીને રાત્રે ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોવાની વિગત સામે આવી છે. શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં આંબલીમાં એક વૃદ્ધ દંપત્તિના ઘરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. ચોરી કરનારા બે શખસ પાસેથી 6 લાખના ચોરીના મુદ્દામાલ સાથે અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલાં ચોર શખસોએ લોનના હપ્તા ભરવા માટે પ્લાન ઘડ્યો હોવાની વિગત સામે આવી છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન તેમને આંબલીમાં થયેલી ચોરીના કેસના આરોપીઓની બાતમી મળી હતી. આ બાતમીને આધારે અનિલ વાઘેલા અને સુરેશ મકવાણા નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતાં. બંને આરોપીઓ પાસેથી પોલીસે સોના-ચાંદીના દાગીના, રોકડા રૂપિયા, મોબાઈલ અને ઈકો ગાડી સહિત કુલ 10.19 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આરોપીઓએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે, બંને જણા એક ગામના વતની છે. આરોપી સુરેશ અગાઉ ચોરીના ગુનામાં પકડાયો હોવાથી તેને ચોરી કરવાનો અનુભવ હતો અને તેને હાલમાં પૈસાની જરૂર હતી.
તે ઉપરાંત અન્ય આરોપી અનિલ વાઘેલાને પણ ઈકો ગાડી લોન ઉપર લીધી હોવાથી તેના હપ્તા ભરવા માટે તેને પૈસાની જરૂર હોવાથી બંને જણાએ ભેગા થઈને ચોરી કરવાનું નક્કી કર્યું હતું. બંને જણાએ બોપલબ્રિજ નીચે ગાડી પાર્ક કરીને આસપાસ આવેલા બંગલા જોયા હતાં. ત્યારબાદ બીજા દિવસે તેઓ રાત્રે બે વાગ્યા સુધી બ્રિજ નીચે ગાડી પાર્ક કરીને સુઈ ગયા હતાં. ત્રણેક વાગ્યાની આસપાસ બોપલ બ્રિજ પાસે ડિ-માર્ટની આસપાસના બંગલાઓ પાસે ગયા હતાં.સુરેશે આ દરમિયાન અનિલને ગાડીમાં બેસી રહેવા જણાવ્યું હતું. ત્યારબાદ તેણે એક બંગલામાં લોખંડના ખાતરિયાથી લોક તોડીને અંદર પ્રવેશી તિજોરીમાંથી રોકડા રૂપિયા સાત હજાર તથા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરીને પોતાના ઘરે જતા રહ્યાં હતાં. આ ગુનાની ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આરોપી સુરેશ સામે ભાવનગર, સોલા હાઈકોર્ટ, આનંદનગર, વડોદરા, બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે. જ્યારે આરોપી અનિલ સામે પણ ભાવનગર વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. આ બંને આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે સરખેજ પોલીસ ને સોપ્યા હતા.
